ઇન્સ્ટા-ફેસબુકના વિડિયો હવે હિન્દીમાં પણ ઑટોમૅટિક ડબ કરી શકશે ક્રીએટર્સ

12 October, 2025 07:33 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મેટાએ AI ટૂલ દ્વારા અંગ્રેજી અને સ્પૅનિશ પછી હવે હિન્દી અને પોર્ટુગીઝ ભાષામાં વિડિયો ડબ કરવાની સુવિધા ઉમેરી

માર્ક ઝકરબર્ગ

સોશ્યલ મીડિયા કંપની મેટાના CEO માર્ક ઝકરબર્ગે ગઈ કાલે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI)ની મદદથી થતા વિડિયો ટ્રાન્સલેશન ટૂલની જાહેરાત કરી હતી. એનાથી કન્ટેન્ટ ક્રીએટર્સ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ રીલ્સને હિન્દી તથા પોર્ટુગીઝમાં ઑટોમેટિક ડબ કરી શકશે. માર્ક ઝકરબર્ગે પોતાનો હિન્દી, પોર્ટુગીઝ અને સ્પૅનિશમાં ટ્રાન્સલેશન ટૂલ દ્વારા ડબ કરેલો વિડિયો પોસ્ટ કરીને આ જાહેરાત કરી હતી.

આ વર્ષના ઑગસ્ટમાં કંપનીએ અંગ્રેજી અને સ્પૅનિશ કન્ટેન્ટ ક્રીએટર્સ માટે AI ટ્રાન્સલેશનની સુવિધા શરૂ કરી હતી. હવે એમાં હિન્દી અને પોર્ટુગીઝ ભાષાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ભવિષ્યમાં એમાં વધુ ભાષાઓ ઉમેરવામાં આવશે એવી જાહેરાત પણ ઝકરબર્ગે કરી હતી.

કેવું છે આ ટૂલ?
આ ટૂલ રીલ્સનું ટ્રાન્સલેશન કરવા માટે કન્ટેન્ટ ક્રીએટરના અવાજની કૉપી કરે છે એટલે સામાન્ય રીતે વિડિયો જોતાં એ ઓરિજિનલ જેવી જ લાગે. આ ટૂલમાં લિપ-સિન્કિંગ સુવિધાને પણ સમાવી લેવામાં આવી છે, જેનાથી ટ્રાન્સલેટ કરેલા ઑડિયોને ક્રીએટર્સની લિપ-મૂવમેન્ટ સાથે બેસાડવામાં આવે છે, જેનાથી ઑડિયોની ભાષા નૅચરલ લાગે. 

national news india instagram facebook mark zuckerberg social media social networking site ai artificial intelligence