16 February, 2026 10:44 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
દિલ્હી સરકારના ટ્રાન્સપોર્ટ વિભાગે પ્રદૂષણ પર કાબૂ મેળવવા માટે એક મહત્ત્વપૂર્ણ પગલું ઉઠાવ્યું છે. ૧૪ ફેબ્રુઆરીએ એક જાહેર નોટિસ બહાર પાડીને કહેવામાં આવ્યું છે કે હવે રાજધાનીના રોડ પર ચાલતી કે ઊભી રહેલી કોઈ પણ ૧૦ વર્ષથી જૂની ડીઝલ કાર કે ૧૫ વર્ષથી જૂની પેટ્રોલ કારને કોઈ પૂર્વસૂચના વિના જપ્ત કરીને સ્ક્રૅપ કરવામાં આવશે.
દિલ્હી સરકારનું માનવું છે કે એનાથી વાયુપ્રદૂષણના માપદંડોને સખતાઈથી લાગુ કરી શકાશે. હવેથી ૧૦ વર્ષથી જૂની ડીઝલ કાર અને ૧૫ વર્ષથી જૂની પેટ્રોલ કાર એન્ડ ઑફ લાઇફ (EOL) શ્રેણીમાં આવે છે. આ નોટિસ અંતર્ગત આવી ગાડીઓ રોડ પર દોડતી મળશે તો એમને ડાયરેક્ટ સ્ક્રૅપ કરવામાં આવશે.
દિલ્હીના ટ્રાન્સપોર્ટ વિભાગે કહ્યું છે કે જૂની ગાડીઓના માલિકોને નો ઑબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) મેળવીને પોતાની ગાડીઓને દિલ્હીથી બહાર લઈ જવાની સલાહ છે. જો કોઈ વાહનમાલિક પોતાની જૂની ગાડીને NCRથી બહાર લઈ જવાનો નિર્ણય લે છે તો તેણે એ માટે પ્રમાણપત્ર લેવાનું આવશ્યક છે. આ પ્રક્રિયાને આસાન બનાવવા માટે પણ ટ્રાન્સપોર્ટ વિભાગે પ્રોસેસ નક્કી કરી છે.