અદાલતની ફટકારઃ પોલીસના ૮૦,૦૦૦ જવાન શું કરી રહ્યા હતા?

22 March, 2023 11:12 AM IST  |  Chandigarh | Gujarati Mid-day Correspondent

અમ્રિતપાલ સિંહ ભાગી જવામાં સફળ થતાં પંજાબ અને હરિયાણા હાઈ કોર્ટે પંજાબ સરકારને આ સવાલ પૂછ્યો

જાલંધરમાં ગઈ કાલે વારિસ પંજાબ દેના વડા અમ્રિતપાલ સિંઘના સાથીઓની ધરપકડ કર્યા બાદ કાયદો-વ્યવસ્થા જાળવવા માટે ફ્લૅગ માર્ચ કરી રહેલા રૅપિડ ઍક્શન ફોર્સના જવાનો. તસવીર એ.એન.આઇ.

પંજાબ અને હરિયાણા હાઈ કોર્ટે ગઈ કાલે પંજાબ પોલીસની ઝાટકણી કાઢી હતી અને ખાલિસ્તાની લીડર અમ્રિતપાલ સિંઘને પકડવાના તેમના ઑપરેશનનો સ્ટેટસ રિપોર્ટ મગાવ્યો છે. અદાલતે પંજાબ સરકારને સવાલો કર્યા હતા કે ‘તમારી પાસે ૮૦,૦૦૦ પોલીસકર્મી છે, તેઓ શું કરી રહ્યા હતા? અમ્રિતપાલ કેવી રીતે ભાગી ગયો?’ અદાલતે જણાવ્યું હતું કે આ રાજ્ય પોલીસની ઇન્ટેલિજન્સ નિષ્ફળતા છે. 

પંજાબ પોલીસે અદાલતને જણાવ્યું હતું કે તેમણે શનિવારે અમ્રિતપાલની વિરુદ્ધ વ્યાપક ઑપરેશન શરૂ કર્યું હતું અને તેઓ આ ખાલિસ્તાની નેતાના ૧૨૦ સપોર્ટર્સની ધરપકડ કરવામાં સફળ રહ્યા છે. જોકે અમ્રિતપાલના કાફલાને જલંધર જિલ્લામાં પોલીસે આંતર્યો હતો ત્યારે તે ભાગી જવામાં સફળ રહ્યો હતો. અમ્રિતપાલ છેલ્લાં કેટલાંક વર્ષોથી પંજાબમાં ઍક્ટિવ છે અને તે મોટા ભાગે હથિયારધારી તેના સપોર્ટર્સની વચ્ચે જ રહે છે. 

દરમ્યાન પંજાબ સરકારે ગઈ કાલે પંજાબ અને હરિયાણા હાઈ કોર્ટને જણાવ્યું હતું કે અમ્રિતપાલ પર નૅશનલ સિક્યૉરિટી ઍક્ટ લાગુ કરવામાં આવ્યો છે. સવાલ એ છે કે જે વ્યક્તિ આટલા સમયથી દેશ વિરોધી ગતિવિધિ કરી રહ્યો હતો તેની વિરુદ્ધ શા માટે અત્યાર સુધો કોઈ પગલાં ન લેવાયાં.

national news punjab chandigarh