આ લોકો બીબીસીની નરેન્દ્ર મોદી વિરોધી ડૉક્યુમેન્ટરી માટે આટલા આતુર કેમ?

25 January, 2023 10:09 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

હૈદરાબાદ યુનિવર્સિટીના કૅમ્પસમાં જ ડૉક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ, જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીના એક ગ્રુપ તેમ જ કેરલામાં પૉલિટિકલ ગ્રુપ્સ પણ સ્ક્રીનિંગ કરવા ઇચ્છે છે

નરેન્દ્ર મોદી

નવી દિલ્હી : બીબીસીની પીએમ નરેન્દ્ર મોદી પરની ડૉક્યુમેન્ટરીને અપપ્રચાર ગણીને ભારતના વિદેશપ્રધાને આકરી ટીકા કરી છે. એટલું જ નહીં, અમેરિકા અને બ્રિટન પણ આ ડૉક્યુમેન્ટરીથી સંમત નથી. ભારત સરકારે આ ડૉક્યુમેન્ટરીની લિન્ક શૅર કરતી પોસ્ટ્સ અને યુટ્યુબ વિડિયોઝને બ્લૉક કરવાનો આદેશ આપ્યો છે. આમ છતાં ભારતમાં અમુક સ્ટુડન્ટ્સ અને પૉલિટિકલ ગ્રુપ્સ આ ડૉક્યુમેન્ટરીને જોવા માટે ખૂબ આતુર છે. 

હૈદરાબાદ યુનિવર્સિટીમાં ડૉક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ કરાયું

હૈદરાબાદ યુનિવર્સિટીના સ્ટુડન્ટ્સના એક ગ્રુપે આ ડૉક્યુમેન્ટરીનું આ યુનિવર્સિટીના કૅમ્પસમાં જ સ્ક્રીનિંગ કર્યું હતું, જેના પછી યુનિવર્સિટીની ઑથોરિટીઝે એ મામલે રિપોર્ટ માગ્યો છે.

‘ફ્રેટર્નિટી મૂવમેન્ટ-એચસીયુ યુનિટ’ નામના બૅનર હેઠળ સ્ટુડન્ટ્સના એક ગ્રુપ દ્વારા રવિવારે આ ડૉક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ થયું હતું. આ ડૉક્યુમેન્ટરીના સ્ક્રીનિંગ પહેલાં સ્ટુડન્ટ્સના આ ગ્રુપ દ્વારા કોઈ પરમિશન નહોતી મેળવવામાં આવી. 

આ પણ વાંચો : સુનકે પીએમ મોદીને સપોર્ટ આપ્યો, પાકિસ્તાન મૂળના સંસદસભ્યને આપ્યો જોરદાર જવાબ

જેએનયુમાં સ્ક્રીનિંગ કૅન્સલ કરવા કહેવામાં આવ્યું

જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીએ આ ડૉક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ કૅન્સલ કરવા સ્ટુડન્ટ્સના એક ગ્રુપને જણાવ્યું હતું. આ સ્ટુડન્ટ્સે ‘ઇન્ડિયા : ધ મોદી ક્વેશ્ચન’ નામની આ ડૉક્યુમેન્ટરીના સ્ક્રીનિંગ માટે પ્લાનિંગ કર્યું હતું. યુનિવર્સિટીના ઍડ્મિનિસ્ટ્રેશને એક સ્ટેટમેન્ટમાં જણાવ્યું હતું કે ‘જેએનયુ ઍડ્મિનિસ્ટ્રેશન પાસેથી આ ઇવેન્ટ માટે કોઈ પૂર્વ મંજૂરી મેળવવામાં આવી નથી.’​

રિપબ્લિક ડે પર સ્ક્રીનિંગની જાહેરાત

કેરલામાં જુદાં-જુદાં પૉલિટિકલ ગ્રુપ્સે જાહેર કર્યું છે કે તેઓ આ ડૉક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ કરશે, જેના પગલે બીજેપીએ આવી કોશિશને અટકાવવા માટે મુખ્ય પ્રધાન પિનારાઈ વિજયનને અપીલ કરી હતી. કેરલા પ્રદેશ કૉન્ગ્રેસ કમિટીની લઘુમતી પાંખે પણ જણાવ્યું હતું કે રિપબ્લિક ડે પર રાજ્યનાં તમામ જિલ્લા મુખ્યાલયો પર આ ડૉક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ કરવામાં આવશે. બીજેપીએ આવા પગલાને દેશદ્રોહી કૃત્ય ગણાવ્યું હતું. 

ડૉક્યુમેન્ટરી વિશે અમેરિકાએ શું કહ્યું?

અમેરિકન વિદેશ વિભાગના પ્રવક્તા નેડ પ્રાઇસને સોમવારે બીબીસીની પીએમ નરેન્દ્ર મોદી પરની આ ડૉક્યુમેન્ટરી વિશે સવાલ કરવામાં આવ્યો તો તેમણે કહ્યું હતું કે ‘તમે જે ડૉક્યુમેન્ટરીનો ઉલ્લેખ કરી રહ્યા છો હું એનાથી વાકેફ નથી. જોકે હું બન્ને દેશોનાં એકસમાન મૂલ્યોથી ખૂબ જ સારી રીતે વાકેફ છું કે જે અમેરિકા અને ભારતને બે ધબકતાં લોકતંત્ર તરીકે સ્થાપિત કરે છે. અમે એ દરેક બાબતને જોઈએ છીએ કે જે અમને એકસાથે જોડે છે. અમે એ તમામ એલિમેન્ટ્સને મજબૂત કરવા માટે આતુર છીએ કે જે અમને એકબીજા સાથે જોડે છે.’

narendra modi national news bbc united states of america jawaharlal nehru university republic day bharatiya janata party