મધ્ય પ્રદેશમાં કરીશું કર્ણાટકનું પુનરાવર્તન : રાહુલ ગાંધી

30 May, 2023 12:07 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન શિવરાજ ચૌહાણે કહ્યું હતું કે બીજેપી ૨૩૦ પૈકી ૨૦૦ સીટ જીતશે

દિલ્હીમાં મધ્ય પ્રદેશના નેતાઓ સાથેની બેઠક બાદ રાહુલ ગાંધી.

કૉન્ગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ રાહુલ ગાંધીએ ગઈ કાલે કહ્યું હતું કે તેમની પાર્ટીએ કર્ણાટકની ચૂંટણીમાં જે રીતે કર્યું હતું એ જ રીતે આ વર્ષે મધ્ય પ્રદેશની ચૂંટણીમાં કરશે અને ૧૫૦ સીટ પર જીત મેળવશે.

મધ્ય પ્રદેશમાં કૉન્ગ્રેસ ચીફ મલ્લિકાર્જૂન ખડગેના નેતૃત્વ હેઠળ યોજાયેલી મીટિંગમાં રાહુલ ગાંધી ઉપરાંત પક્ષના જનરલ સેક્રેટરી (ઑર્ગેનાઇઝેશન) કે. સી. વેણુગોપાલન, કમલનાથ, દિગ્વિજય સિંહ, અરુણ યાદવ, જે. પી. અગ્રવાલ અને અન્યો હાજર રહ્યા હતા. આ મીટિંગ બાદ રાહુલ ગાંધીએ ઉપરોક્ત વાત કહી હતી.

મીડિયા સાથે બોલતાં રાહુલ ગાંધીએ કહ્યું કે અમે પક્ષના નેતાઓ સાથે મળીને વિગતવાર લાંબી ચર્ચા કરી છે. અમારું માનવું છે કે કર્ણાટકમાં અમે ૧૩૫ સીટ પર જીત મેળવી હતી અને હવે મધ્ય પ્રદેશમાં અમે ૧૫૦ સીટ પર જીત મેળવશું. કર્ણાટકનું પુનરાવર્તન અમે મધ્ય પ્રદેશમાં કરીશું અને ૧૫૦ સીટ પર જીતીશું. દરમ્યાન મધ્ય પ્રદેશના ઇન્ચાર્જ જે. પી. અગ્રવાલે કહ્યું હતું કે આ વખતે તમામ નેતાઓએ એક થઈને ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે.

પકાતે રહિએ ખયાલી પુલાવ : શિવરાજ ચૌહાણ

મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન શિવરાજ ચૌહાણે કહ્યું હતું કે બીજેપી ૨૩૦ પૈકી ૨૦૦ સીટ જીતશે. તેમણે અબ કી બાર ૨૦૦ પાર એવું સ્લોગન પણ આપ્યું હતું. મિર્ઝા ગાલિબના એક શેરને ટાંકતાં તેમણે કહ્યું હતું કે મન બહલાને કો ગાલિબ યે ખયાલ અચ્છા હૈ, ખયાલી પુલાવ પકાતે રહિએ. રાહુલ ગાંધીએ આગામી ચૂંટણીમાં કૉન્ગ્રેસ બહુમતી મેળવે એવા સવાલનો જવાબ આપતાં આ વાત કરી હતી. આ વર્ષના અંતમાં એમપી, રાજસ્થાન અને છત્તીસગઢમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે.

national news congress rahul gandhi madhya pradesh new delhi