26 February, 2023 10:12 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
રાયપુર (પી.ટી.આઇ.) ઃ કૉન્ગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ગઈ કાલે જણાવ્યું હતું કે ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીમાં ‘લોકવિરોધી’ બીજેપીની સરકારથી છુટકારો અપાવવાના હેતુથી સમાન વિચારધારાવાળી પાર્ટીઓની સાથે ગઠબંધન કરીને યોગ્ય વિકલ્પ પૂરો પાડવા માટે કૉન્ગ્રેસ આતુર છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે આ ધ્યેયને હાંસલ કરવા માટે પાર્ટી કોઈ પણ બલિદાન આપવા માટે તૈયાર છે.
કૉન્ગ્રેસના અધિવેશનને સંબોધતાં ખડગેએ કહ્યું હતું કે ‘દેશ અનેક પડકારોનો સામનો કરી રહ્યો છે, જેમ કે બંધારણીય અને લોકતાંત્રિક મૂલ્યો પર સતત પ્રહાર થઈ રહ્યા છે, ચીન સાથેની બૉર્ડર પર રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દાઓ છે, મોંઘવારી ઑલ ટાઇમ હાઈ છે અને બેરોજગારીનું પ્રમાણ રેકૉર્ડ સ્તરે છે. અત્યારની મુશ્કેલ સ્થિતિમાં દેશમાં કૉન્ગ્રેસ જ એકમાત્ર પાર્ટી છે કે જે સક્ષમ અને નિર્ણાયક નેતૃત્વ પૂરું પાડી શકે છે.’
વર્કિંગ કમિટીમાં અનામત
કૉન્ગ્રેસે એની વર્કિંગ કમિટીમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, ઓબીસી, મહિલાઓ, યુવાનો અને લઘુમતીઓ માટે ૫૦ ટકા અનામત પૂરું પાડવા માટે ગઈ કાલે એના બંધારણમાં સુધારો કર્યો હતો.