04 August, 2025 06:54 AM IST | Bengaluru | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
૫ ઓગસ્ટે કર્ણાટકમાં કોન્ગ્રેસ ‘વૉટ ચોરી’ના મુદ્દે વિરોધ પ્રદર્શન કરવાનું છે, તો એની સામે ભાજપ કોન્ગ્રેસના ‘સંવિધાન-વિરોધી વલણ’ માટે વિરોધ પ્રદર્શન કરવાની જાહેરાત કરી છે.
કર્ણાટક-ભાજપના અધ્યક્ષ વિજયેન્દ્રે ગઈકાલે જાહેર કર્યું હતું કે પાંચ ઑગસ્ટે વિધાનસભા બહાર ગાંધીજીની પ્રતિમા પાસે ભાજપ કોન્ગ્રેન્સના ‘સંવિધાન-વિરોધી વલણ’ માટે વિરોધ પ્રદર્શન કરશે. આ પ્રદર્શનમાં કર્ણાટક ભાજપના ચૂંટાયેલા તમામ જન-પ્રતિનિધિઓ ભાગ લેશે.
કોન્ગ્રેસ ફ્રીડમ પાર્કમાં આ જ દિવસે વોટ ચોરીના મુદ્દે વિરોધ પ્રદર્શન કરવાની છે.
વિજયેન્દ્રે એવો આરોપ કર્યો હતો કે ‘રાહુલ ગાંધીની વડા પ્રધાન બનવાનું સપનું અધૂરું રહી ગયું છે. નરેન્દ્ર મોદીનો વિજય તેમનાથી પચતો નથી. એટલે તેઓ ઇલેક્શન કમિશન પર ખોટા આરોપો કરીને નાગરિકોને ગેરમાર્ગે દોરે છે. જો ઇલેક્શન કમિશન પાસે ધાર્યા પ્રમાણે કામ કરાવી શકાતું હોય તો હિમાચલ પ્રદેશ, તેલંગણા અને કર્ણાટકમાં કોન્ગ્રેસ કેવી રીતે જીતી? આ મુદ્દે અહીં કર્ણાટકમાં આવીને ડ્રામા કરવાને બદલે રાહુલ ગાંધીએ સુપ્રીમ કોર્ટમાં જવું જોઈએ. અહીં આવે જ છે તો તેમણે 4 જૂને ચિન્નાસ્વામી સ્ટેડિયમ બહાર થયેલી જીવલેણ નાસભાગ માટે માફી માગવી જોઈએ. જે કોન્ગ્રેસના મુખ્યમંત્રીની બેદરકારીને લીધે થઈ હતી.’