કોલેજિયમ સિસ્ટમ બેસ્ટ, સરકાર તરફથી કોઈ પ્રેશર નહીંઃ ચીફ જસ્ટિસ

19 March, 2023 10:32 AM IST  |  New Delhi | Agency

કાયદાપ્રધાને કહ્યું કે જજોની નિમણૂક કરવી એ ન્યાયિક કામગીરી નથી, પરંતુ શુદ્ધપણે વહીવટીય પ્રક્રિયા છે: એક જ મંચ પર અલગ-અલગ અભિપ્રાય રજૂ કરવામાં આવ્યા

ફાઇલ તસવીર

જજોની નિમણૂક માટેની કોલેજિયમ સિસ્ટમનો બચાવ કરતાં ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયા ડી. વાય. ચન્દ્રચૂડે ગઈ કાલે જણાવ્યું હતું કે બધી સિસ્ટમ કંઈ પર્ફેક્ટ હોતી નથી, પરંતુ અવેલેબલ આ બેસ્ટ સિસ્ટમ છે. નોંધપાત્ર છે કે કોલેજિયમ વ્યવસ્થા સરકાર અને ન્યાયતંત્ર વચ્ચે વિવાદનું કારણ બની છે.

એક ન્યુઝ ચૅનલની ઇવેન્ટમાં ચીફ ​જસ્ટિસે કહ્યું હતું કે ‘બધી સિસ્ટમ પર્ફેક્ટ હોતી નથી, પરંતુ આપણે ડેવલપ કરેલી આ બેસ્ટ સિસ્ટમ છે. મૂળ હેતુ ન્યાયતંત્રની આઝાદીનું રક્ષણ કરવાનો છે. જો ન્યાયતંત્રે સ્વતંત્ર અને નિષ્પક્ષ રહેવું હોય તો આપણે બહારના પ્રભાવથી ન્યાયતંત્રને પ્રોટેક્ટ કરવું પડે.’

કેન્દ્રીય કાયદાપ્રધાન કિરેન રિજિજુ અવારનવાર સુપ્રીમ કોર્ટની કોલેજિયમ વ્યવસ્થા પ્રત્યે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે ત્યારે ચીફ જસ્ટિસે એના વિશે પણ જણાવ્યું હતું.

તેમણે કહ્યું હતું કે ‘ધારણાઓમાં ફરક હોય તો એમાં ખોટું શું છે? પરંતુ મારે મજબૂત બંધારણીય કાર્યપ્રણાલીની ભાવનાથી આવા મતભેદોમાં કામ પાર પાડવું છે. હું કાયદાપ્રધાનની સાથે મુદ્દાઓમાં પડવા માગતો નથી.’

જસ્ટિસ ચન્દ્રચૂડે જણાવ્યું હતું કે કેસોમાં કેવી રીતે નિર્ણય કરવો એ માટે કેન્દ્ર સરકાર તરફથી કોઈ પણ પ્રકારનું પ્રેશર નથી.

નોંધપાત્ર છે કે આ જ મીડિયા ઇવેન્ટમાં કાયદાપ્રધાને કહ્યું હતું કે ‘બંધારણ અનુસાર જજોની નિમણૂક કરવાની ફરજ સરકારની છે. જજોની નિમણૂક કરવી એ ન્યાયિક કામગીરી નથી, પરંતુ શુદ્ધપણે વહીવટીય પ્રક્રિયા છે.’

national news supreme court