15 October, 2026 07:38 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પોલીસની અટકાયતમાં (ડાબેથી) અજિંક્ય શિંદે, આશુતોષ રાંકા, સૌરવ દાસ.
કૉક્રૉચ જનતા પાર્ટી (CJP)ના નેતાઓ સૌરવ દાસ અને આશુતોષ રાંકાને પીસ બૉન્ડનો ભંગ કરવા અને વિરોધસ્થળ તરીકે રદ કરાયેલા જંતર મંતરમાં પ્રવેશ કરવા બદલ પાંચ દિવસ માટે તિહાર જેલમાં મોકલવામાં આવ્યા હતા. તેમના સાથી અજિંક્ય શિંદેને પીસ બૉન્ડ પર હસ્તાક્ષર કર્યા પછી બહાર નીકળવાની મંજૂરી આપવામાં આવી છે.
ત્રણેયને ગઈ કાલે સ્પેશ્યલ એક્ઝિક્યુટિવ મૅજિસ્ટ્રેટ (SEM)ની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. સૌરવ દાસ અને આશુતોષ રાંકાને વારંવાર કાયદાના ઉલ્લંઘન અને તેઓ ફરીથી જાહેર શાંતિમાં ખલેલ પહોંચાડી શકે છે અથવા અન્ય લોકોને ઉશ્કેરી શકે છે એવી આશંકા બદલ પાંચ દિવસની જુડિશ્યલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા. દિલ્હી પોલીસે આ ત્રણેય લોકો સામે ગેરકાયદે પ્રવેશ (ટ્રેસપાસિંગ), પ્રતિબંધાત્મક આદેશોનું ઉલ્લંઘન, શાંતિ જાળવવાના બૉન્ડનો ભંગ અને સરકારી કર્મચારીને તેમની ફરજ બજાવતા અટકાવવા જેવા આરોપો હેઠળ કેસ નોંધ્યો હતો.
આ મુદ્દે પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ‘ઘટનાસ્થળે તહેનાત કર્મચારીઓને તેમની સત્તાવાર ફરજ બજાવતા અટકાવવા બદલ ૧૪ લોકોની અટકાયત કરવામાં આવી હતી અને સંસદ માર્ગ પોલીસ-સ્ટેશનમાં તેમની સામે ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) નોંધવામાં આવ્યો હતો. અટકાયત કરાયેલા તમામ લોકો પાસેથી જરૂરી બૉન્ડ ભરાવી લેવામાં આવ્યા હતા.’
કટોકટી જેવી સ્થિતિ છે : અભિજિત દીપકે
સૌરવ દાસ અને આશુતોષ રાંકાને તિહાડ જેલમાં મોકલવાના મુદ્દે અભિજિત દીપકેએ પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે ‘જંતર મંતર પર તિરંગો લહેરાવવા બદલ આશુતોષ રાંકા અને સૌરવ દાસને પાંચ દિવસની જુડિશ્યલ કસ્ટડીમાં મોકલવા એ સરકાર દ્વારા અસંમતિ કે વિરોધના સૂર પ્રત્યે અપનાવવામાં આવતા વલણ વિશે ગંભીર પ્રશ્નો ઊભા કરે છે. જો સરકાર અસંમતિને કચડી નાખવા માટે મક્કમ હોય તો આવી યુક્તિઓ અજમાવવાને બદલે એણે સત્તાવાર રીતે કટોકટી જાહેર કરવાની હિંમત બતાવવી જોઈએ.’
અભિજિત દીપકેની નવા આંદોલનની જાહેરાત : કનૉટ પ્લેસના સેન્ટ્રલ પાર્કમાં ૧૬ ઑક્ટોબરે તિરંગો લઈને પહોંચો
કૉક્રૉચ જનતા પાર્ટી (CJP)ના સ્થાપક અભિજિત દીપકેએ ૧૬ ઑક્ટોબરે દિલ્હીના કનૉટ પ્લેસમાં આવેલા સેન્ટ્રલ પાર્કમાં તિરંગો લઈને પહોંચવાની અપીલ કરી છે. આ મુદ્દે તેણે કહ્યું હતું કે બધા લોકો તિરંગો લઈને પહોંચજો, અમે બતાવી દઈશું કે તિરંગો લહેરાવવો કોઈ ગુનો નથી.
આશુતોષ રાંકા અને સૌરભ દાસને તિહાડ જેલમાં મોકલી દેવામાં આવ્યા બાદ દીપકેએ આશંકા વ્યક્ત કરી હતી કે તેને પણ જેલમાં મોકલી દેવામાં આવી શકે છે.
એક વિડિયો-મેસેજમાં દીપકેએ કહ્યું હતું કે ‘સૌરવ અને આશુતોષને તિરંગો લહેરાવવાના કારણે તિહાડ જેલમાં મોકલી દેવામાં આવ્યા છે. હું દેશભક્તોને અપીલ કરું છું કે ૧૬ ઑક્ટોબરે સાંજે પાંચ વાગ્યે તિરંગો લઈને કનૉટ પ્લેસના સેન્ટ્રલ પાર્કમાં આવે. જે લોકો દિલ્હી આવી શકતા નથી તેઓ પોતાના શહેરમાં તિરંગા-માર્ચ કાઢે. તિરંગો આપણો ગર્વ છે અને એને લહેરાવવો કોઈ અપરાધ નથી. એવું બની શકે કે આ પછી મને પણ જેલમાં પૂરી દેવામાં આવે પણ મને એની ચિંતા નથી.’
ઍરપોર્ટ પર અભિજિત દીપકેને ચોર કહ્યો લોકોએ, બોલ્યા...
દેશને કેમ બરબાદ કરી રહ્યો છે?
દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનૅશનલ (IGI) ઍરપોર્ટ પર ગઈ કાલે અભિજિત દીપકે આવ્યો ત્યારે ત્યાં હાજર રહેલા લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો અને લોકો તેને જોઈને ‘ચોર’ની બૂમો પાડી રહ્યા હતા. લોકોએ તેને સવાલ કર્યો હતો કે તમે દેશને કેમ બરબાદ કરી રહ્યા છો. આ વિડિયો સોશ્યલ મીડિયા પર ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે.