પોલીસ સબ-ઇન્સ્પેક્ટરને ઘરની બહાર કાઢ્યો કૉક્રૉચ જનતા પાર્ટીના અભિજિત દીપકેએ

08 August, 2026 09:03 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પોતાના ઘરે આવેલા મુલાકાતીઓ અને સમર્થકોને રોકવાનો આક્ષેપ કરીને વીફર્યો

સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ રહેલા એક વિડિયોમાં અભિજિત દીપકે અકળાઈને પોલીસ-ઑફિસરને કહી રહ્યો છે

કૉક્રૉચ જનતા પાર્ટી (CJP)નો સ્થાપક અભિજિત દીપકે પોતાના છત્રપતિ સંભાજીનગરસ્થિત નિવાસસ્થાને તહેનાત પોલીસ સાથે ઉગ્ર ઘર્ષણમાં ઊતરતાં નવો વિવાદ સર્જાયો છે. પોતાના ઘરે આવેલા મુલાકાતીઓ અને સમર્થકોને મળતા રોકવાનો આક્ષેપ કરીને અભિજિત દીપકેએ એક પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (PSI) પર પોતાનો જોરદાર આક્રોશ ઠાલવ્યો હતો.

સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ રહેલા એક વિડિયોમાં અભિજિત દીપકે અકળાઈને પોલીસ-ઑફિસરને કહી રહ્યો છે કે ‘હું કોને મળું અને કોને ન મળું એ નક્કી કરનારા તમે કોણ છો? પોલીસ એ નક્કી ન કરી શકે કે મારે કોને મળવું જોઈએ.’

આ સાથે જ તેણે ઑફિસરને પોતાના ઘરની બહાર નીકળી જવાની પણ કડક તાકીદ કરી હતી.

આ ઘટના વાળુજ MIDC વિસ્તારમાં આવેલા અભિજિત દીપકેના નિવાસસ્થાને બની હતી. તેણે આક્ષેપ કર્યો હતો કે સુરક્ષાના નામે તહેનાત કરાયેલા પોલીસ-કર્મચારીઓ પોતાની સત્તામર્યાદાની બહાર જઈને ઘરમાં આવતા લોકો સાથે ગેરવર્તણૂક કરી રહ્યા છે અને તેમનો પ્રવેશ અટકાવી રહ્યા છે.

સામે પક્ષે પોલીસ-પ્રશાસને સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા જાળવવાના હેતુથી જ બંદોબસ્ત ગોઠવ્યો હોવાનો દાવો કર્યો છે. જોકે આ તાજેતરના તીખા ઘર્ષણ અને વાઇરલ વિડિયો વિશે પોલીસ વિભાગ તરફથી હજી સુધી કોઈ સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી નથી.

CJPએ હવે કોર્ટ સામે બાંયો ચડાવી, કહ્યું કે જંતર મંતર બંધ કરવાનું નહીં ચલાવી લેવાય

દિલ્હીના હૃદયસમા જંતર મંતર ખાતે વિરોધ-પ્રદર્શનો યોજવા સામે દિલ્હી હાઈ કોર્ટે વ્યક્ત કરેલી નારાજગી બાદ કૉક્રૉચ જનતા પાર્ટી (CJP)એ તીખી પ્રતિક્રિયા આપી છે. સંગઠને સ્પષ્ટ કર્યું છે કે આ પ્રમુખ આંદોલન-સ્થળને નાગરિકો પાસેથી આંચકી લેવાની બાબત કોઈ પણ ભોગે ચલાવી લેવાશે નહીં.

CJPના નેતા સૌરવ દાસે સોશ્યલ મીડિયા પર આક્રોશ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે ‘અગાઉ ઇન્ડિયા ગેટ ખાતે આંદોલન કરવાનો હક છીનવી લેવાયો હતો અને હવે જંતર મંતર પણ બંધ કરવાની કોશિશ થઈ રહી છે. શાંતિપૂર્ણ આંદોલન કરવાનો નાગરિકોનો મૂળભૂત અધિકાર છીનવી શકાય નહીં.’

cockroach janata party mumbai police maharashtra mumbai mumbai news