02 January, 2026 07:04 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
સિગારેટ પર અત્યાર સુધી ૨૮ ટકા ગુડ્સ ઍન્ડ સર્વિસ ટૅક્સ (GST)ની સાથે કમ્પન્સેશન સેસ લાગતો હતો. એનાથી કુલ ટૅક્સ ૫૦ ટકાથી વધુ થઈ જતો હતો. ગયા વર્ષે ત્રીજી સપ્ટેમ્બરે સરકારે સિગારેટ પર GST ૪૦ ટકા કરી દીધો હતો, જોકે સેસ હટાવી દીધો હતો. એવામાં જો સરકાર એક્સાઇઝ ડ્યુટી ન લેત તો સિગારેટ સસ્તી થઈ જાત. રેવન્યુ બનાવવા માટે સરકારે સેસને બદલે હવે કાયમી એક્સાઇઝ ડ્યુટી લગાવી દીધી છે. એનાથી સિગારેટની કિંમત ૨૦ ટકા જેટલી વધી જશે. ૩૧ ડિસેમ્બરે બહાર પાડવામાં અાવેલા નોટિફિકેશન મુજબ પહેલી ફેબ્રુઆરીથી સિગારેટની ૧૦૦૦ સ્ટિક્સ પર ૨૦૫૦ રૂપિયાથી ૮૫૦૦ રૂપિયા સુધીની ડ્યુટી લેવામાં આવશે જે રકમ જૂના ટૅક્સની સરખામણીએ ઘણી વધારે છે. સિગારેટની લંબાઈના આધારે ડ્યુટી નક્કી થશે. આને કારણે સિગારેટની કંપનીઓ પ્રોડક્ટની કિંમત વધારે એવું સંભવ છે.
પહેલી ફેબ્રુઆરીથી પાનમસાલા, સિગારેટ, તંબાકુ અને તંબાકુની પ્રોડક્ટ્સ પર ૪૦ ટકા GST લાગશે, બીડી પર ૧૮ ટકા GST લાગશે.
શૅરના ભાવ ગગડ્યા
આ ન્યુઝ આવતાં જ ગોલ્ડ ફ્લેક અને ક્લાસિક જેવી બ્રૅન્ડની તંબાકુની પ્રોડક્ટ્સ બનાવતી ITC કંપનીના શૅર ૮.૬૨ ટકા ગગડી ગયા હતા. ગૉડફ્રે ફિલિપ્સ ઇન્ડિયાના શૅરમાં પણ ૧૨ ટકાનો ઘટાડો નોંધાયો હતો.
કેટલા સ્મોકર્સ?
ભારતમાં ૨૫.૩ કરોડ સ્મોકર્સ છે. ચીન પછી ભારત સ્મોકર્સના મામલે બીજા નંબરે છે. વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનના આંકડા મુજબ ભારતમાં ૨૦ કરોડ પુરુષો અને ૫.૩ કરોડ મહિલાઓ સ્મોકિંગ કરે છે.