સાડાત્રણ વર્ષની બાળકી સ્કૂલમાં રાધે રાધે બોલી, પ્રિન્સિપાલે મોઢા પર ટેપ ચીટકાડી દઈને માર માર્યો

02 August, 2025 11:12 AM IST  |  Chhattisgarh | Gujarati Mid-day Correspondent

છોકરીના પપ્પા પ્રવીણ યાદવે નંદિની પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અને મામલાની ગંભીરતા જોઈને પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને પ્રિન્સિપાલની ધરપકડ કરી હતી

પ્રતીકાત્મક તસવીર

છત્તીસગઢના દુર્ગ જિલ્લાના બાગડુમર ગામમાં આવેલી મધર ટેરેસા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં સાડાત્રણ વર્ષની એક બાળકીને ‘રાધે-રાધે’ બોલવા બદલ સ્કૂલના પ્રિન્સિપાલે માર માર્યો હતો. પોલીસે છોકરીના પરિવારની ફરિયાદ બાદ સ્કૂલના પ્રિન્સપાલ એલા ઈવન કોલ્વિનની ધરપકડ કરી છે.

ગયા બુધવારે સવારે સાડાસાત વાગ્યે છોકરીએ સ્કૂલમાં ‘રાધે-રાધે’ બોલીને પ્રિન્સિપાલનું સ્વાગત કર્યું હતું એના પગલે તેમણે તેને થપ્પડ મારી દીધી હતી. એ પછી લગભગ ૧૫ મિનિટ સુધી તેના મોઢા પર ટેપ ચીટકાડી રાખી હતી અને અન્ય શારીરિક ઈજા પણ પહોંચાડી હતી. ઘરે જઈને છોકરીએ રડતાં-રડતાં તેનાં મમ્મી-પપ્પાને ઘટના વિશે જણાવ્યું હતું. તેના શરીર પર ઈજાનાં નિશાન જોવા મળ્યાં હતાં.

છોકરીના પપ્પા પ્રવીણ યાદવે નંદિની પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અને મામલાની ગંભીરતા જોઈને પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને પ્રિન્સિપાલની ધરપકડ કરી હતી. શરૂઆતની તપાસમાં સ્પષ્ટ થયું છે કે પ્રિન્સિપાલે પ્રશ્નનો જવાબ નહીં આપવા બદલ છોકરીને અમાનવીય સજા આપી હતી, જે સંપૂર્ણપણે અન્યાયી અને અસ્વીકાર્ય છે. બીજી તરફ રાજ્યના શિક્ષણ વિભાગે આ મામલે સ્વતંત્ર તપાસની પ્રક્રિયા શરૂ કરી છે જેને કારણે સ્કૂલ પ્રશાસન સામે કાર્યવાહી થવાની શક્યતા છે.

chhattisgarh Crime News national news news