26 December, 2023 09:21 AM IST | Chennai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ચેન્નઈઃ ચેન્નઈના થાલંબુર વિસ્તારમાં હૃદયને ઝકઝોળતી ઘટના બની છે. અહીં એક આરોપીએ પોતાની ફ્રેન્ડના બર્થ-ડેના આગલા દિવસે તેની હત્યા કરી. આરોપી મૃત યુવતીની ફ્રેન્ડ હતી અને બાદમાં પોતાની ફ્રેન્ડની સાથે મૅરેજ કરવા માટે તેણે સેક્સ ચેન્જ-ઑપરેશન કરાવ્યું હતું અને છોકરો બની ગયો હતો. જોકે મૃત યુવતી નંદિનીએ તેની સાથે મૅરેજ કરવાની ના પાડી હતી. એનાથી નારાજ થઈને આરોપીએ નંદિની પર પેટ્રોલ રેડીને તેને જીવતી સળગાવી દીધી હતી.
બન્ને સાથે ભણતાં હતાં
પોલીસ ટીમે આ હત્યાના મામલે વેટ્રિમરનની ધરપકડ કરી લીધી છે. વેટ્રિમરને થોડા સમય પહેલાં સેક્સ-ચેન્જ ઑપરેશન કરાવ્યું હતું. આ ઑપરેશન પહેલાં તેનું નામ પંડી મુરુગેશ્વરી હતું. તે અને નંદિની બન્ને મદુરાઈની એક ગર્લ્સ સ્કૂલમાં સાથે ભણતી હતી અને સારી ફ્રેન્ડ્સ હતી. બાદમાં મુરુગેશ્વરીએ નંદિનીની સાથે મૅરેજ કરવા માટે સેક્સ-ચૅન્જ ઑપરેશન કરાવ્યું હતું. જોકે નંદિનીએ વેટ્રિમરનની સાથે સંબંધ રાખવાની ના પાડી હતી. જોકે તેઓ બન્ને એકબીજાનાં ટચમાં હતાં.
બર્થ-ડેના આગલા દિવસે કરી હત્યા
ઇન્ફર્મેશન ટેક્નૉલૉજીમાં બીએસસીનો કોર્સ કર્યા બાદ નંદિની આઠ મહિના પહેલાં નોકરી માટે ચેન્નઈ આવી હતી. જ્યાં તે તેના અન્કલની સાથે રહેતી હતી. શનિવારે વેટ્રિમરને નંદિનીને કૉલ કર્યો હતો અને સાથે થોડો ટાઇમ સ્પેન્ડ કરવા કહ્યું હતું. તેમણે બન્નેએ કપડાં ખરીદ્યાં અને થાલંબુરની પાસે એક અનાથાશ્રમમાં પણ ગયાં હતાં.
પોલીસે જણાવ્યું કે આરોપીએ નંદિનીને ઘરે છોડવાની વાત કહી હતી. એ સમયે રસ્તામાં પોંમરમાં એક સૂમસામ જગ્યાએ ઊભા રહીને તેણે નંદિનીને ફોટોગ્રાફ ક્લિક કરવા કહ્યું. એ દરમ્યાન
આરોપીએ નંદિનીના હાથ-પગ બાંધી દીધા અને એક બ્લેડથી તેના ગળા અને હાથ પર હુમલા કર્યા હતા. એ પછી તેના પર પેટ્રોલ રેડીને આગ લગાવી દીધી અને ત્યાંથી ભાગી ગયો હતો. નંદિનીનો અવાજ સાંભળીને કેટલાક લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને બાદમાં પોલીસને જાણ કરી હતી. હૉસ્પિટલમાં જતાં પહેલાં નંદિનીએ પોલીસને એક નંબર આપ્યો હતો જે વેટ્રિમરનનો હતો. પોલીસે તેને બોલાવ્યો તો તેણે ફ્રેન્ડ તરીકે નંદિનીની ઓળખ કરી હતી. સારવાર દરમ્યાન નંદિનીનું મોત થયું. બાદમાં વેટ્રિમરન ભાગી ગયો હતો. પોલીસે તપાસ બાદ રવિવારે તેની ધરપકડ કરી હતી.