ChatGPT સાથે બિઝનેસ આઇડિયા શૅર કરીને નોકરી છોડવાની વાત કરી, જવાબ મળ્યો કે નોકરી છોડીશ નહીં

26 May, 2025 07:55 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

સિમોને ChatGPTને તેના બિઝનેસ-પ્લાન વિશે જણાવ્યું ત્યારે AI ચૅટબૉટે તેની પ્રશંસા કરી હતી અને તેને બિઝનેસ-પ્લાન માટે આશાવાદી ગણાવી હતી

પ્રતીકાત્મક તસવીર

આજના યુગમાં આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) આપણા જીવનનો મહત્ત્વપૂર્ણ ભાગ છે. ઘણા લોકો પોતાનાં રોજિંદાં કાર્યો માટે પણ AI પર નિર્ભર છે. તેમને એના વિના જીવનની કલ્પના કરવી મુશ્કેલ લાગે છે. જ્યારે AIની વાત આવે છે ત્યારે સૌથી પહેલાં ChatGPTનું નામ આવે છે. ઘણા યુઝર્સ ChatGPT પર પોતાના પ્રશ્નો પૂછે છે, જેના સ્ક્રીનશૉટ રોજ વાઇરલ થતા રહે છે. આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં એક યુઝરે ChatGPT સાથે પોતાનો બિઝનેસ આઇડિયા શૅર કર્યો હતો અને ChatGPTએ તેને સલાહ આપી હતી કે આ માટે તે પોતાની નોકરી ન છોડે. સિમોન નામની યુઝરે એની આ વિગતો રેડિટ પર સ્ક્રીનશૉટ સાથે શૅર કરી હતી અને એ વાઇરલ થઈ હતી.

સિમોને ChatGPTને તેના બિઝનેસ-પ્લાન વિશે જણાવ્યું ત્યારે AI ચૅટબૉટે તેની પ્રશંસા કરી હતી અને તેને બિઝનેસ-પ્લાન માટે આશાવાદી ગણાવી હતી. યુઝરે આગળ પોતાના વિચારો કાવ્યાત્મક રીતે વ્યક્ત કરવાનો પ્રયાસ કરીને લખ્યું કે કેટલાક લોકો પાસે ઢાંકણાં હોય છે, પણ બરણીઓ ફિટ થતી નથી, જો આપણે એવા લોકોની શોધ કરીએ કે જેમની પાસે ઢાંકણામાં ફિટ થતી બરણીઓ હોય તો? ChatGPTએ આ વિચારને આકર્ષક ગણાવ્યો હતો. જોકે જ્યારે સિમોને ChatGPTને કહ્યું કે તે નોકરી છોડશે ત્યારે ChatGPTએ તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો અને કહ્યું હતું કે આ માટે નોકરી છોડીશ નહીં, હાલમાં તો નહીં જ.

આ મુદ્દે સિમોને લખ્યું કે મેં રાજીનામું મેઇલ કર્યું છે. આના પર ChatGPTએ લખ્યું કે આમાં સુધારો કરવાની જરૂર છે. એણે રાજીનામું પાછું ખેંચવા માટે ઈ-મેઇલ સંબંધિત અનેક સૂચનો પણ આપ્યાં હતાં.

ai artificial intelligence business news viral videos social media national news news