સ્પર્ધાત્મક પરીક્ષાનાં પેપર લીક કરવાં એ હત્યા કરતાં પણ વધારે જઘન્ય અપરાધ

08 August, 2026 09:35 AM IST  |  Chhattisgarh | Gujarati Mid-day Correspondent

આવું અવલોકન કરીને છત્તીસગઢ કોર્ટે CGPSC પેપર-લીક કૌભાંડના આરોપી નિવૃત્ત IAS ઑફિસરની જામીનઅરજી ફગાવી દીધી

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

છત્તીસગઢ પબ્લિક સર્વિસ કમિશન (CGPSC) ભરતી કૌભાંડના આરોપી નિવૃત્ત IAS અધિકારી જીવન કિશોર ધ્રુવની જામીનઅરજી છત્તીસગઢ હાઈ કોર્ટે ફગાવી દીધી હતી. કોર્ટે અત્યંત સખત વલણ અપનાવીને સ્પષ્ટ અવલોકન કર્યું હતું કે સ્પર્ધાત્મક પરીક્ષાનાં પ્રશ્નપત્રો લીક કરવાં એ હત્યા કરતાં પણ વધુ જઘન્ય અપરાધ છે, કારણ કે આ કૃત્ય દિવસ-રાત મહેનત કરતા લાખો યુવાનોના ભવિષ્ય અને કારકિર્દીને સંપૂર્ણપણે બરબાદ કરી નાખે છે.

આરોપી ૬૨ વર્ષનો જીવન કિશોર ધ્રુવ ૨૦૨૦થી ૨૦૨૨ની ભરતીપ્રક્રિયા દરમ્યાન CGPSCમાં સચિવ તરીકે ફરજ બજાવતો હતો. CBIની તપાસમાં સામે આવ્યું હતું કે તેણે સત્તાનો દુરુપયોગ કરીને ૨૦૨૧ની મુખ્ય પરીક્ષાનાં ગુપ્ત પ્રશ્નપત્રો પોતાના પુત્ર સુમિત ધ્રુવને આપ્યાં હતાં જેના આધારે સુમિત ડેપ્યુટી કલેક્ટર તરીકે પસંદગી પામ્યો હતો. દરોડા દરમ્યાન આરોપીના ઘર પરથી નિબંધના પેપરો અને પ્રશ્નોત્તરી પુસ્તિકાઓ પણ CBI દ્વારા જપ્ત કરવામાં આવ્યાં હતાં.

ન્યાયમૂર્તિ બિભુ દત્ત ગુરુની ખંડપીઠે જામીન નકારતાં સ્પષ્ટ કર્યું હતું કે ‘કોઈ એક વ્યક્તિની હત્યાથી માત્ર એક પરિવારને અસર થાય છે, જ્યારે પેપર-લીકથી સમગ્ર સમાજ પર અત્યંત માઠી અસર પડે છે. જાહેર ભરતીપ્રક્રિયાની પવિત્રતા જાળવી રાખવા માટે આ પ્રકારે કડક વલણ દાખવવું ખૂબ જ જરૂરી છે.’ 

NEET-UGમાં ચોકીદાર જ ચોર હતા! પેપર-લીક કૌભાંડમાં CBIએ દિલ્હી કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરીને ધરપકડની શ્રેણીબદ્ધ વિગતો આપી

સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)એ નૅશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ-અન્ડરગ્રૅજ્યુએટ (NEET-UG)ના પેપર-લીક કૌભાંડમાં દિલ્હીની રાઉઝ ઍવેન્યુસ્થિત સ્પેશ્યલ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. તપાસ-એજન્સીએ નૅશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)ના ૩ વિષય-નિષ્ણાતો સહિત કુલ ૧૩ આરોપીઓ સામે ગુનાહિત કાવતરું રચવાનો આક્ષેપ મૂક્યો છે.

ચાર્જશીટ મુજબ NTA દ્વારા નીમવામાં આવેલાં બૉટનીનાં નિષ્ણાત મનીષા મંઢારે, કેમિસ્ટ્રીના પ્રહલાદ કુલકર્ણી અને ફીઝિક્સનાં મનીષા હવાલદારે પોતાના હોદ્દાનો દુરુપયોગ કરીને પરીક્ષા પહેલાં જ પ્રશ્નપત્ર લીક કર્યું હતું. ત્યાર બાદ શુભમ ખૈરનાર, યશ યાદવ અને ધનંજય લોખંડે જેવા દલાલો મારફત પચીસ લાખ રૂપિયામાં ગેરકાયદે સોદો કરીને ઉમેદવારો સુધી આ પ્રશ્નપત્ર પહોંચાડવામાં આવ્યું હતું.

જપ્ત કરાયેલા મોબાઇલ અને પેન ડ્રાઇવના ફૉરેન્સિક ઇમેજિંગ દ્વારા વૉટ્સઍપ અને ટેલિગ્રામ પર મોકલવામાં આવેલા પ્રશ્નપત્રની PDF ફાઇલ રિકવર કરવામાં આવી છે. એક ઉમેદવાર પાસે ૪ લાખ રૂપિયાની રકમ મેળવીને પેપર અને કોચિંગ આપવાની માગણી કરવામાં આવી હોવાનું પણ બહાર આવ્યું છે. 

Education chhattisgarh neet exam national news news