સ્વાસ્થ્યનાં કારણોસર ગે, ટ્રાન્સજેન્ડર અને સેક્સ વર્કર્સને રક્તદાન કરવાની મંજૂરી આપી શકાય નહીં

14 March, 2026 10:32 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

કેન્દ્રનો સુપ્રીમ કોર્ટમાં જવાબ

ફાઇલ તસવીર

ભારતની સુપ્રીમ કોર્ટ સમક્ષ દાખલ કરાયેલી ઍફિડેવિટમાં નિષ્ણાત સમિતિના અહેવાલોને ટાંકીને કેન્દ્ર સરકારે ગે પુરુષો, ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓ, પુરુષો સાથે સેક્સ કરનારા પુરુષો (MSM) અને મહિલા સેક્સ વર્કર્સ (FSW)ને રક્તદાન કરવાથી બાકાત રાખવાની એની નીતિનો મજબૂત રીતે બચાવ કર્યો છે. સરકારનો દાવો છે કે આ બાકાત ભેદભાવપૂર્ણ નથી, પરંતુ HIV અને હેપેટાઇટિસ જેવા ટ્રાન્સફ્યુઝન-ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન (TTI)થી રક્તપુરવઠાની અખંડિતતાને સુરક્ષિત રાખવા માટે રચાયેલાં આવશ્યક સુરક્ષા પગલાં છે. રક્તદાન કરનાર વ્યક્તિની ઇચ્છા કરતાં રક્ત મેળવનારી વ્યક્તિનું સ્વાસ્થ્ય વધુ મહત્ત્વપૂર્ણ છે.

ભારતના ચીફ જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ જૉયમલ્યા બાગચી અને વિપુલ પંચોલીની બેન્ચને કેન્દ્ર દ્વારા ગુરુવારે સંબંધિત રિટ અરજીઓ સોંપવામાં આવી હતી. અરજીની સુનાવણી કરતાં ચીફ જસ્ટિસે ચેપના જોખમનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે ‘અમને એક સારું કારણ જણાવો કે આપણે શા માટે નિર્દેશ જાહેર કરવો જોઈએ. છેવટે લાખો ગરીબ લોકો મફત રક્ત-સુવિધાઓ લે છે. તેમને ખાનગી હૉસ્પિટલો પરવડી શકતી નથી.’

આના પર અરજદારો વતી હાજર રહેલા વરિષ્ઠ વકીલ જયના ​​કોઠારીએ કહ્યું હતું કે ‘મુખ્ય મુદ્દો એ છે કે એક વાર કોઈ પણ વ્યક્તિ દ્વારા રક્તદાન કરવામાં આવે પછી દાન કરાયેલા રક્તનું પરીક્ષણ કરવું જોઈએ અને પછી જ એનો ઉપયોગ કરવો જોઈએ. હકીકતમાં દરેક રક્તદાન કર્યા પછી HIV પરીક્ષણ કરવામાં આવે છે. ન્યુક્લિક ઍસિડ પરીક્ષણ (NAT) પરીક્ષણ કરવામાં આવે છે.’

supreme court lesbian gay bisexual transgender hiv national news news