29 December, 2025 02:55 PM IST | Bihar | Gujarati Mid-day Correspondent
બિહારના જમુઈમાં શનિવારે રાતે સિમેન્ટ ભરેલી માલગાડી પાટા પરથી સરકીને નદીમાં પડી હતી.
બિહારના જમુઈ જિલ્લા નજીક ઈસ્ટર્ન રેલવેના આસનસોલ ડિવિઝનના જસીડીહ-ઝાઝા મુખ્ય લાઇન પર શનિવારે રાતે ૧૨ વાગ્યે સિમેન્ટ ભરેલી માલગાડી પાટા પરથી ઊતરી ગઈ હતી. કુલ ૧૨ ડબ્બા પાટા પરથી ખડી પડ્યા હતા જેમાંથી ત્રણ ડબ્બા બથુઆ નદીમાં પડ્યા હતા. આ અકસ્માત જસીડીહ-ઝાઝા લાઇન પર તેલવા બજાર હૉલ્ટ નજીક બથુઆ નદી પરના પુલ-નંબર ૬૭૬ પર થયો હતો. અકસ્માતનું કારણ હાલમાં સ્પષ્ટ નથી થયું.
માલગાડીના ડબ્બા ડાઉન ટ્રૅક પર ફસાયેલા હોવાથી મધરાતે ૧૨ વાગ્યાથી રૂટ પર ટ્રેન-ટ્રાફિક ખોરવાઈ ગયો છે. રેલવેના ઘણા અધિકારીઓએ ઘટનાસ્થળે પહોંચીને રેલવે સેવા પુનઃ સ્થાપિત કરવા માટે યુદ્ધના ધોરણે કામ શરૂ કર્યું હતું. કામગીરીમાં વિક્ષેપને કારણે હાવડા રાજધાની સહિત ઘણી ટ્રેનોને ડાયવર્ટ કરવામાં આવી રહી છે.
શનિવાર-રવિવાર રાતથી હાવડા-દિલ્હી રેલવેલાઇન પર ટ્રેન-સંચાલન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે. મેલ-એક્સપ્રેસ, પ્રીમિયમ ટ્રેનો, પૅસેન્જર અને માલગાડીઓ વિવિધ સ્ટેશનોએ ફસાઈ હોવાથી હજારો મુસાફરો અટવાઈ ગયા હતા. રેલવેએ કેટલીક ટ્રેનોને ડાયવર્ટ કરી હતી.