18 April, 2026 01:47 PM IST | Basti | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
ઉત્તર પ્રદેશના ગોસાઈ ગામમાં એક લગ્નસમારોહમાં રસગુલ્લાની જીદને કારણે ૧૧ વર્ષના સંતોષ નામના છોકરાનો જીવ જોખમમાં મુકાઈ ગયો હતો. સંતોષ તેની માના મૃત્યુ પછી નાની સાથે રહેતો હતો. બુધવારે તે નાની સાથે કોઈ સંબંધીનાં લગ્નમાં ગોસાઈ ગામ આવ્યો હતો. લગ્નમાં બધા ખુશ હતા અને તોફાન-મસ્તી કરી રહ્યા હતા.
એ દરમ્યાન સંતોષ જ્યાં ભોજન તૈયાર થતું હતું ત્યાં ગયો અને ત્યાં પડેલા રસગુલ્લા કાઢીને ખાવા લાગ્યો. એક-બે વાર તેણે રસગુલ્લા ખાધા એટલે ત્યાં હાજર કેટરિંગના ઠેકેદારને ગુસ્સો આવ્યો. છોકરો ત્રીજી વાર રસગુલ્લા પાસે ગયો એટલે તેણે સંતોષને ઊંચકીને પાસે જલતી તંદૂરના મોં પાસે લઈ ગયો. જોકે એ વખતે બાળકે છૂટવા માટે છટપટાહટ કરતાં સંતોષ અંદર પડી ગયો. બાળકની ચીસો સાંભળીને તરત લોકો દોડી આવ્યા. તંદૂરને નીચે પાડીને એમાંથી બાળકને કાઢ્યો અને તરત હૉસ્પિટલમાં લઈ ગયા. જોકે બાળકનો ચહેરો અને ઉપરનો ભાગ ખૂબ ખરાબ રીતે દાઝી ગયા હતા.