02 February, 2025 01:54 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
નાણાપ્રધાને વર્ષ ૨૦૨૫-’૨૬ માટેના તેમના બજેટમાં ઊભરતા ઉદ્યોજકોને પ્રોત્સાહન આપવાનું ખાસ ધ્યાન રાખ્યું છે. તેમણે ૧૦,૦૦૦ કરોડ રૂપિયાના ફન્ડ સાથે સ્ટાર્ટઅપ્સ માટે ફન્ડ ઑફ ફન્ડ્સ યોજના ઘોષિત કરી છે.
સરકારનો ઉદ્દેશ્ય નવીનતા અને ઉદ્યોગસાહસિકતાને બળ પૂરું પાડવાનો છે. ઉદ્યોગ અને આંતરિક વેપાર પ્રોત્સાહન વિભાગ (DPIIT) અત્યાર સુધીમાં દોઢ લાખથી વધારે સ્ટાર્ટઅપ્સને માન્યતા આપી ચૂક્યો છે. ભારત દેશ એની સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમનો સતત વિસ્તાર કરી રહ્યો છે.
ફન્ડ ઑફ ફન્ડ્સ ફોર સ્ટાર્ટઅપ્સ (FFS) યોજના ૨૦૧૬માં શરૂ કરવામાં આવી હતી. વિવિધ તબક્કે સ્ટાર્ટઅપ કંપનીઓને મૂડી પૂરી પાડવામાં આ યોજનાએ મહત્ત્વની ભૂમિકા ભજવી છે. આને લીધે વિદેશી મૂડી પર નિર્ભરતા ઘટી રહી છે. આ યોજનાનો વહીવટ DPIIT દ્વારા કરાય છે અને સંચાલન સ્મૉલ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ બૅન્ક ઑફ ઇન્ડિયા (SIDBI-સિડ્બી) દ્વારા કરાય છે.