જેએનયુમાં ચાર વર્ષ બાદ ફરી થઈ બબાલ

02 March, 2024 10:40 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

કૉલેજમાં ઇલેક્શન કમિટીના સભ્યોની નિમણૂકને લઈને બે સ્ટુડન્ટ્સ ગ્રુપ વચ્ચે થઈ મારામારી

ગુરુવારે રાતે થયેલા ઝઘડા વખતે સાઇકલ ઊંચકીને ફેંકી રહેલો સ્ટુડન્ટ

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (એબીવીપી)ના સભ્યો અને ડાબેરી ટેકો ધરાવતાં જૂથો વચ્ચે થયેલી અથડામણમાં જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (જેએનયુ)ના અમુક વિદ્યાર્થીઓ ઈજા પામ્યા હતા. સ્કૂલ ઑફ લૅન્ગ્વેજિસ ખાતે ઇલેક્શન કમિટીના સભ્યોની પસંદગી વિશે વિવાદને કારણે ઝઘડો શરૂ થયો હોવાનું મનાય છે. જોકે તેમની વચ્ચેનો વિવાદ વકર્યો હતો અને એ હિંસામાં પરિણમ્યો હતો.

યુ​નિવર્સિટીના એક અધિકારીએ જણાવ્યું હતું કે અમુક વિદ્યાર્થીઓને સારવાર માટે સફદરજંગ હૉ​સ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

સોશ્યલ મીડિયાના પ્લૅટફૉર્મ એકસ પર એક વિડિયોમાં એક માણસ ​સ્ટિક દ્વારા વિદ્યાર્થીઓને મારતો દેખાય છે. બીજા એક વિડિયોમાં એક માણસ વિદ્યાર્થીઓ પર બાઇસિકલ ફેંકતો જોવા મળે છે.

આ બનાવના અન્ય એક વિડિયોમાં દેખાય છે કે યુનિવર્સિટીનો સિક્યૉરિટી ગાર્ડ તેમને બચાવવાનો પ્રયાસ કરે છે એમ છતાં એક ગ્રુપ દ્વારા અમુક વિદ્યાર્થીઓને મારવામાં આવી રહ્યા છે.

ઇલેક્શન કમિટીના સભ્યોની પસંદગી વિશે અથડામણ માટે બન્ને જૂથોએ એકમેકને જવાબદાર ઠેરવ્યાં છે. તેમણે એકમેક સામે પોલીસ-ફરિયાદ પણ નોંધાવી છે. આ અથડામણમાં ત્રણ જણ ઈજા પામ્યા હોવાનું પોલીસે જણાવ્યું હતું. ચાર વર્ષ પહેલાં જેએનયુમાં બે સ્ટુડન્ટ-ગ્રુપ વચ્ચે જબરદસ્ત ફાઇટિંગ થઈ હતી અને એ સમયે ઘણા દિવસ સુધી જેએનયુ ખોટાં કારણોસર લાઇમલાઇટમાં રહ્યું હતું. 

jawaharlal nehru university social media social networking site viral videos new delhi national news