દિલ્હીની ૯ સ્કૂલોમાં બૉમ્બ મૂકવાની ધમકી અફવા નીકળી, ૧૩ ફેબ્રુઆરીએ સંસદભવનમાં બ્લાસ્ટ કરવાની આપી ધમકી

10 February, 2026 02:14 PM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

દિલ્હીની ૯ સ્કૂલોને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ ગઈ કાલે સવારે મળી હતી,

પ્રતીકાત્મક તસવીર

દિલ્હીની ૯ સ્કૂલોને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ ગઈ કાલે સવારે મળી હતી, જેમાં ઈ-મેઇલ દ્વારા ચેતવણી આપવામાં આવી હતી કે ‘પંજાબ ખાલિસ્તાન છે. અફઝલ ગુરુની યાદમાં દિલ્હી ખાલિસ્તાન બનશે.’ આ ઈ-મેઇલમાં ૧૩ ફેબ્રુઆરીએ બપોરે ૧.૧૧ વાગ્યે સંસદમાં વિસ્ફોટની યોજના હોવાની ભયાનક ચેતવણી પણ સામેલ છે.

ધમકી મળ્યા બાદ દિલ્હી ફાયર-બ્રિગેડે અને બૉમ્બ-સ્ક્વૉડે ઝડપથી કાર્યવાહી કરી હતી. કોઈ પણ સ્કૂલના પરિસરમાંથી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી. સર્ચ-ઑપરેશન ચાલુ છે. બૉમ્બની ધમકી મળ્યા બાદ ભારે સુરક્ષા તહેનાત કરવામાં આવી હતી અને સ્કૂલ-કૅમ્પસ ખાલી કરાવવામાં આવ્યાં હતાં. 

ધમકીભરી ઈ-મેઇલમાં ઉશ્કેરણીજનક અને અપમાનજનક ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. એ પછી સુરક્ષાવ્યવસ્થા વધારી દેવામાં આવી હતી, જેમાં વિવિધ એજન્સીઓ વચ્ચે સંકલન વધારવામાં આવ્યું હતું. આ સંદર્ભમાં એક વરિષ્ઠ પોલીસ-અધિકારીએ જણાવ્યું હતું કે ઈ-મેઇલના મૂળને શોધવા માટે સાઇબર ટીમો તહેનાત કરવામાં આવી છે, જ્યારે રાજધાનીમાં સંવેદનશીલ સ્થળોએ સુરક્ષાવ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી છે. 

દિલ્હી ફાયર સર્વિસ (DFS)એ જણાવ્યું હતું કે ‘સવારના સમયે શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી અનેક શૈક્ષણિક સંસ્થાઓ તરફથી ઇમર્જન્સી કૉલ આવ્યા હતા. આ પછી ફાયર-ટેન્ડર અને બૉમ્બ ડિસ્પોઝલ સ્ક્વૉડને તાત્કાલિક ઘટનાસ્થળે મોકલવામાં આવ્યાં હતાં.’ 

કઈ સ્કૂલોને ધમકી મળી?

ધમકીઓ મળેલી સ્કૂલોમાં દિલ્હી કેન્ટમાં લૉરેટો કૉન્વેન્ટ સ્કૂલ, શ્રીનિવાસપુરી અને ન્યુ ફ્રેન્ડ્સ કૉલોનીમાં કૅમ્બ્રિજ સ્કૂલ, સાદિકનગરમાં ધી ઇન્ડિયન સ્કૂલ, INA અને લોધી રોડમાં DTEA સ્કૂલ, રોહિણીમાં વેન્કટેશ્વર ગ્લોબલ સ્કૂલ, રોહિણી અને શાલીમાર બાગમાં CM શ્રી સ્કૂલ, પીતમપુરામાં આધારશિલા વિદ્યાપીઠ, શાલીમાર બાગમાં મૉડર્ન પબ્લિક સ્કૂલ, શાલીમાર બાગમાં જસપાલ કૌર પબ્લિક સ્કૂલ, ન્યુ રાજેન્દ્રનગરમાં માનવ સ્થલી સ્કૂલ, દ્વારકામાં રાજકીય પ્રતિભા વિકાસ વિદ્યાલય અને રોહિણીમાં બાલભારતી સ્કૂલનો સમાવેશ થાય છે.

national news india delhi news delhi Crime News