ગોંડામાં યુવાનની હત્યા બાદ હાઇવે જૅમ કરવા મૃતદેહને ચાલતી ઍમ્બ્યુલન્સમાંથી સ્ટ્રેચર સાથે ફેંકી દીધો

06 August, 2025 10:18 AM IST  |  Uttar Pradesh | Gujarati Mid-day Correspondent

પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને ભીડને દૂર કરી, ચાર આરોપીની ધરપકડ

યુવાનની હત્યા બાદ હાઇવે જૅમ કરવા મૃતદેહને ચાલતી ઍમ્બ્યુલન્સમાંથી સ્ટ્રેચર સાથે ફેંકી દીધો

ઉત્તર પ્રદેશના ગોંડા જિલ્લામાં એક સનસનાટીભરી ઘટનામાં હાઇવે પરનો ટ્રાફિક જૅમ કરવા માટે ઍમ્બ્યુલન્સમાંથી મૃતદેહને સ્ટ્રેચર સહિત ફેંકી દેવામાં આવ્યો હતો. આ દૃશ્ય જોઈને પોલીસ પ્રશાસન ચોંકી ગયું હતું અને ઘટનાસ્થળે અફડાતફડી મચી ગઈ હતી. જોકે પોલીસે તાત્કાલિક પગલાં લઈને મૃતદેહને હટાવ્યો હતો અને ભીડને દૂર કરી હતી. આ કેસમાં ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

શુક્રવારે માર માર્યો

આ ઘટના ગોંડાના ગ્રામીણ પોલીસ-સ્ટેશન વિસ્તારના ગ્રામપંચાયત લક્ષ્મણપુર જાટના ગડારિયન પૂર્વાની છે. શરાબના પૈસાની લેણદેણના મામલે શુક્રવારે સાંજે ગામના ચાર યુવાનો રામ કિશોર, જગદીશ, પંકજ અને ચંદને મળીને હૃદયલાલ નામના યુવક પર હુમલો કર્યો હતો અને તેના હાથ-પગની આંગળીઓ અને અંગૂઠા ઈંટથી કચડી નાખ્યાં હતાં. ગંભીર રીતે ઘાયલ યુવકને પહેલા ગોંડા મેડિકલ કૉલેજ લઈ જવામાં આવ્યો. ત્યાર બાદ લખનઉ ટ્રૉમા સેન્ટરમાં ભરતી કરવામાં આવ્યો હતો, જ્યાં સોમવારે સવારે તેનું મૃત્યુ થયું હતું.

ગુસ્સે ભરાયેલા પરિવારજનોનું કૃત્ય

સોમવારે સાંજે ઍમ્બ્યુલન્સમાં મૃતદેહ ગામમાં લાવવામાં આવી રહ્યો હતો ત્યારે ગુસ્સે ભરાયેલા સંબંધીઓએ ઍમ્બ્યુલન્સનો દરવાજો ખોલી નાખ્યો હતો અને સ્ટ્રેચર સાથે મૃતદેહને રસ્તા પર ફેંકી દીધો હતો. ત્યાં હાજર મહિલાઓ મૃતદેહને ગળે લગાવીને રડવા લાગી હતી. તેમનો ઇરાદો હાઇવે જૅમ કરી દેવાનો હતો. પોલીસે પરિસ્થિતિને સંભાળવા માટે મહિલા પોલીસફોર્સને બોલાવી હતી અને મૃતદેહને ફરીથી વાહનમાં મૂકીને ગામમાં લઈ જવામાં આવ્યો હતો. સેંકડો ગ્રામજનો ત્યાં પહેલેથી જ એકઠા થઈ ગયા હતા. પરિસ્થિતિ વધુ વણસી શકે છે એ ડરથી પોલીસે તાત્કાલિક અંતિમ સંસ્કાર કરાવ્યા હતા.

બે મહિના પહેલાં લગ્ન

હૃદયલાલનાં લગ્ન બે મહિના પહેલાં જ ૧૧ જૂને અયોધ્યાની સંધ્યા સાથે થયાં હતાં. સંધ્યા તેના પતિના મૃત્યુને કારણે બેભાન થઈ ગઈ છે. ક્યારેક તે ચીસો પાડવા લાગે છે. આખા ગામમાં શોક છે અને ભારે પોલીસફોર્સ તહેનાત કરવામાં આવી છે.

દરેક પાસાની તપાસ

બીજી તરફ આ કેસમાં ગોંડાના પોલીસ-સુપરિન્ટેન્ડેન્ટ વિનીત જાયસવાલે જણાવ્યું હતું કે ‘ચારેય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પીડિત પરિવારને ન્યાય અપાવવા માટે કડક કાર્યવાહી કરવામાં આવશે. મામલો સંવેદનશીલ હોવાથી દરેક પાસાની તપાસ કરવામાં આવી રહી છે.’

uttar pradesh national news news crime news murder case highway