09 February, 2025 12:57 PM IST | Ayodhya | Gujarati Mid-day Correspondent
અવધેશ પ્રસાદ
અયોધ્યામાં ભગવાન રામનું મંદિર બનાવ્યું હોવા છતાં આ ધર્મનગરીનો સમાવેશ થાય છે એ ફૈઝાબાદ લોકસભાની બેઠકમાં ભારતીય જનતા પાર્ટી (BJP)નો ગયા વર્ષે યોજાયેલી ચૂંટણીમાં કારમો પરાજય થયો હતો. મિલ્કીપુરના સમાજવાદી પાર્ટીના વિધાનસભ્ય અવધેશ પ્રસાદ લોકસભાની ચૂંટણીમાં વિજયી થયા હતા એટલે ખાલી પડેલી આ બેઠકમાં પેટાચૂંટણી હાથ ધરવામાં આવી હતી. વિધાનસભાની ચૂંટણીમાં અવધેશ પ્રસાદના પુત્ર અજિત પ્રસાદ અને BJPના ચંદ્રભાનુ પાસવાન વચ્ચે સીધો મુકાબલો હતો. BJP અને સમાજવાદી પાર્ટીએ ચૂંટણીમાં પૂરી તાકાત લગાવી દીધી હતી, જેમાં BJPના ચંદ્રભાનુ પાસવાને ૬૧ હજારથી વધુ મતથી અજિત પ્રસાદને હરાવ્યા છે. આ સાથે જ લોકસભાની ચૂંટણીમાં ફૈઝાબાદમાં થયેલા પરાજયનો બદલો BJPએ મિલ્કીપુરમાં વિજય મેળવીને લીધો છે.