14 December, 2025 07:40 AM IST | Kerala | Gujarati Mid-day Correspondent
શશી થરૂર
સુધરાઈની ચૂંટણીમાં NDAએ ૧૦૧ વૉર્ડમાંથી પચાસમાં વિજય મેળવીને ખળભળાટ મચાવી દીધો
ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ હેઠળના નૅશનલ ડેમોક્રૅટિક અલાયન્સ (NDA)એ કેરલાની રાજધાની તિરુવનંતપુરમ સુધરાઈમાં ૧૦૧ વૉર્ડમાંથી ૫૦ વૉર્ડ જીતીને સૌથી મોટી પાર્ટી બનીને રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચાવી દીધો છે. કૉન્ગ્રેસના કદાવર નેતા શશી થરૂરના લોકસભા મતવિસ્તાર તિરુવનંતપુરમમાં સુધરાઈમાં NDAને મળેલી આ જીતે લેફ્ટ ડેમોક્રૅટિક ફ્રન્ટ (LDF)ના સતત ૪૫ વર્ષના શાસનનો અંત લાવી દીધો છે. એને માત્ર ૨૯ બેઠકો પર વિજય મળ્યો છે, જ્યારે કૉન્ગ્રેસના નેતૃત્વ હેઠળના યુનાઇટેડ ડેમોક્રૅટિક ફ્રન્ટ (UDF)એ ૧૯ બેઠકો મેળવી હતી. બે બેઠકો અપક્ષોને ફાળે ગઈ હતી. ગયા અઠવાડિયે એક ઉમેદવારના મૃત્યુ બાદ એક વૉર્ડમાં મતદાન રદ કરવામાં આવ્યું હતું. તિરુવનંતપુરમમાં NDAની જંગી જીતથી પાર્ટીના કાર્યકરોમાં ખુશીનો માહોલ છે.
ત્રિપાંખિયો જંગ
સુધરાઈની ચૂંટણીમાં UDF, LDF અને BJPના નેતૃત્વ હેઠળના NDA વચ્ચે ત્રિપાંખિયો જંગ હતો. કુલ ૧૧૯૯ નગરપાલિકાઓ અને ત્રિસ્તરીય પંચાયતો માટે ૯ અને ૧૧ ડિસેમ્બરે બે તબક્કામાં મતદાન થયું હતું. તિરુવનંતપુરમ નગરપાલિકામાં બહુમતી મેળવવા માટે NDA માત્ર એક વૉર્ડ દૂર છે. બીજી તરફ NDA ગઠબંધને LDF પાસેથી ત્રિપુનિથુરા નગરપાલિકા પણ આંચકી લીધી હતી.
શશી થરૂરે શું કહ્યું?
પરિણામો જાહેર થયા પછી કૉન્ગ્રેસના સંસદસભ્ય શશી થરૂરે BJPને અભિનંદન આપ્યાં હતાં અને કહ્યું હતું કે ‘BJPનો વિજય ઐતિહાસિક છે. જોકે આ વિજય ફક્ત BJPનો જ નહીં, લોકશાહીનો પણ છે. મતદારોના નિર્ણયનું સન્માન કરવું જોઈએ.’
શશી થરૂરે કૉન્ગ્રેસને પણ અભિનંદન આપતાં કહ્યું હતું કે ‘વિધાનસભાની ચૂંટણી પહેલાં લોકોએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે. આપણે વધુ મહેનત કરવાની જરૂર છે.’
હવે કૉન્ગ્રેસ શશી થરૂર સામે શું પગલાં લેશે?
કૉન્ગ્રેસના સંસદસભ્ય શશી થરૂરના ગઢમાં BJP પ્રણીત NDAનો વિજય તેમના માટે સારો માનવામાં આવતો નથી. ઘણા સમયથી તેઓ કૉન્ગ્રેસ સામે બળવાખોરીના મૂડમાં છે. જોકે કૉન્ગ્રેસ તેમની સામે કોઈ પગલાં લેશે તો પણ તેઓ ખુશ થશે. છેલ્લા એક વર્ષથી શશી થરૂરના સૂર બદલાયેલા છે. તેઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરે છે. રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીની બેઠકોથી દૂર રહે છે. જો કૉન્ગ્રેસ તેમને પાર્ટીમાંથી કાઢી મૂકે તો તેઓ રાજીનામું આપી શકે છે અને એવામાં આ બેઠક પર પેટાચૂંટણી થઈ શકે છે. કેરલામાં વિધાનસભાની ચૂંટણી સાથે લોકસભાની આ બેઠકની પેટાચૂંટણી યોજાઈ શકે છે. આવામાં શશી થરૂર BJP પાસેથી લોકસભાની અથવા વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ માટે માગણી કરી શકે એમ છે.
થૅન્ક યુ તિરુવનંતપુરમ - વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પોસ્ટ
તિરુવનંતપુરમ કૉર્પોરેશનમાં BJP પ્રણિત NDA ગઠબંધનને મળેલા જનાદેશ પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ખુશી વ્યક્ત કરી હતી અને તેમણે પોતાની પોસ્ટમાં આને કેરલાના રાજકારણમાં એક વળાંક ગણાવ્યો હતો. વડા પ્રધાને લખ્યું હતું કે ‘આભાર તિરુવનંતપુરમ! તિરુવનંતપુરમ કૉર્પોરેશનમાં BJP પ્રણિત NDAને મળેલો જનાદેશ કેરલાના રાજકારણમાં એક ઐતિહાસિક ક્ષણ છે. રાજ્યમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં BJP પ્રણિત NDA ઉમેદવારોને ટેકો આપનારા કેરલાના તમામ લોકોનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. કેરલાના લોકો હવે UDF અને LDF બન્નેથી કંટાળી ગયા છે. તેમને વિશ્વાસ છે કે ફક્ત NDA જ સુશાસન પૂરું પાડી શકે છે અને બધા માટે તકોથી ભરપૂર વિકસિત કેરલાનું નિર્માણ કરી શકે છે.’