12 May, 2025 01:13 PM IST | Bihar | Gujarati Mid-day Correspondent
૮૦ વર્ષ જૂનો એક પંખો
બિહારના સહરસા શહેરમાં રહેતા મોઇઉદ્દીન રાઇન નામના ભાઈના ઘરના ચોકમાં ૮૦ વર્ષ જૂનો એક પંખો છે જે આજે પણ બહુ સરસ રીતે કામ કરે છે. આ પંખો ૧૯૩૦ની સાલનો છે અને બ્રિટિશ ઇલેક્ટ્રૉનિક મૉડલનો છે. આ પંખો આજ સુધી કદી ખરાબ નથી થયો. રિપેરિંગના નામે એમાં માત્ર કન્ડેન્સર બદલવામાં આવે છે અને દર દાયકે એને નવો રંગ લગાવવામાં આવે છે. મોઇઉદ્દીનનું કહેવું છે કે તેના દાદાના સમયથી આ પંખો લગાવેલો છે. મોટી-મોટી બ્રૅન્ડના પંખા આની સામે ફેલ છે. પંખાની ડિઝાઇન પણ જરા જુદી છે અને એ ખૂબ તેજ હવા ફેંકે છે. કોઈ મહેમાન આવે તો તરત જ તેને ફીલ થાય છે કે આ પંખો કંઈક જુદો છે. ૯૦ વર્ષથી ચાલતો આ પંખો ત્રણ પેઢીથી આ ઘરને વારસામાં મળી રહ્યો છે. ઘરનું રિનોવેશન ત્રણેક વાર કરાવવામાં આવ્યું અને ઘણુંબધું બદલાયું, પરંતુ આ પંખો કદી બગડ્યો ન હોવાથી એને રિપ્લેસ કરવાનો વિચાર કોઈને નથી આવ્યો.