ખૂની ખેલનો હેતુ શું?

13 April, 2023 11:58 AM IST  |  Bhatinda | Gujarati Mid-day Correspondent

માસ્ક અને કુરતા-પાયજામામાં આવેલા હુમલાખોરોનો આર્મીના જવાનો પર હુમલો, ચાર સૈનિક શહીદ, બે દિવસ પહેલાં જ એક રાઇફલ મિસિંગ થઈ હતી; આતંકવાદી કૃત્યની શક્યતા ફગાવાઈ

ભટિંડામાં મિલિટરી સ્ટેશન પાસે આર્મીનાં વાહનો.

પંજાબના ભટિંડાસ્થિત મિલિટરી સ્ટેશનમાં ગઈ કાલે વહેલી સવારે ગોળીબારની ચોંકાવનારી ઘટના બની હતી, જેમાં આર્મીની આર્ટિલરી યુનિટના ચાર જવાનો શહીદ થયા હતા. મેસની પાછળ બરાક્સ નજીક સવારે સાડાચાર વાગ્યાની આસપાસ આ ગોળીબાર થયો હતો ત્યારે આ ચાર યંગ સૈનિકો સૂતા હતા. મેજર દ્વારા દાખલ કરવામાં આવેલા એફઆઇઆર (ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ)માં જણાવાયું છે કે કેટલાક અજાણ્યા લોકો માસ્ક અને કુરતા-પાયજામામાં જોવા મળ્યા હતા. આ એફઆઇઆર અનુસાર જેમાંથી એક જણના હાથમાં ઇન્સાસ અસૉલ્ટ રાઇફલ હતી, જ્યારે બીજાના હાથમાં કુહાડી હતી. તેઓ મિલિટરી સ્ટેશન નજીકના જંગલમાં ભાગી ગયા હતા. રાજ્ય પોલીસે બે અજાણી વ્યક્તિની વિરુદ્ધ એક કેસ દાખલ કર્યો છે અને તેમની શોધ કરવામાં આવી રહી છે.

દરમ્યાનમાં બે દિવસ પહેલાં જ એક આ મિલિટરી સ્ટેશન પરથી એક ઇન્સાસ રાઇફલ અને ૨૮ રાઉન્ડ્સ મિસિંગ હતા. આ હુમલામાં એ મિસિંગ રાઇફલનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાની શંકા છે. આ રાઇફલ બાદમાં ગઈ કાલે મળી આવી હતી. પોલીસ અધિકારીઓ આ આતંકવાદી કૃત્ય હોવાની વાત નકારી રહ્યા છે. 

આર્મીના ચીફ જનરલ મનોજ પાંડેએ આ બાબતે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહને માહિતી આપી હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે પોલીસ તપાસ કરનારા ભટિંડા પોલીસ સુપરિન્ટેન્ડન્ટ (ડિટેક્ટિવ) અજય ગાંધીએ મીડિયાને જણાવ્યું હતું કે ઘટનાસ્થળેથી ઇન્સાસ રાઇફલના ૧૯ ખાલી શેલ્સ મળી આવ્યા છે. આર્મીના જવાનને ટાંકીને ગાંધીએ કહ્યું હતું કે સાદાં વસ્ત્રોમાં આવેલી બે વ્યક્તિએ ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં જવાનો-સાગર બન્ને, કમલેશ આર, યોગેશ કુમાર જે અને સંતોષ એમ નાગરાલ શહીદ થયા હતા. તેમણે જણાવ્યું હતું કે સીસીટીવી કૅમેરાનાં ફુટેજની તપાસ થઈ રહી છે અને આર્મીએ એ સમગ્ર એરિયાને ઘેરી લીધો હતો. જોકે, પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે કોણે ગોળીબાર કર્યો હતો એના વિશે તેમને કોઈ માહિતી નથી. ગાંધીએ કહ્યું હતું કે ‘મિલિટરી પોલીસ સાથે મળીને અમારી તપાસ ચાલી રહી છે.’

national news punjab indian army