26 August, 2025 06:59 AM IST | Bihar | Gujarati Mid-day Correspondent
બિહારમાં બે પાકિસ્તાની મહિલા મળી આવી હતી જેઓ લગ્ન કરીને દાયકાઓથી ભારતમાં વસી ગઈ છે અને મતદાન પણ કરે છે.
ભારતીય નાગરિકતા ન હોવા છતાં ભાગલપુરમાં રહેતી બે મહિલાઓનાં નામ મતદારયાદીમાં જોવા મળ્યાં છે એટલું જ નહીં, ચોંકાવનારી વાત તો એ છે કે બન્ને બહેનો વર્ષોથી મતદાન પણ કરે છે. ગૃહમંત્રાલયના પત્ર બાદ આ જાણકારી બહાર આવી છે અને આ બે મહિલાઓના મતાધિકારને રદ કરવાની કાર્યવાહી આરંભી દેવાઈ છે. આ સંદર્ભમાં દરોડા કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી છે. આ મોટી ગેરરીતિ બાદ ગૃહમંત્રાલય અને ચૂંટણીપંચે આ મામલે રિપોર્ટ માગ્યો છે. આશ્ચર્યની વાત એ છે કે બિહારમાં મતદારયાદીના સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)માં પણ આ બહેનોનાં મતદારયાદીમાં નામ વેરિફાઇ કરી દેવામાં આવ્યાં હતાં.
બિહારના વિવાદાસ્પદ SIRમાં પણ તેમનાં નામ વેરિફાય કરી લેવામાં આવ્યાં હતાં.
આ બન્ને પાકિસ્તાની મહિલાઓએ ભારતમાં લગ્ન કર્યાં હતાં. એક પાકિસ્તાની મહિલા તો અહીં આવ્યા પછી સરકારી શાળામાં ભણી પણ છે. તેણે પોતાનું આધાર કાર્ડ પણ બનાવ્યું હતું. આવી સ્થિતિમાં મોટો પ્રશ્ન એ છે કે ભારતીય નાગરિકતા મેળવ્યા વિના તે ભારતની મતદાર કેવી રીતે બની ગઈ? વધુ વિગતો માટે પોલીસ વિવિધ સ્થળોએ દરોડા પાડી રહી છે. આ મહિલાઓએ કેટલી વાર મતદાન કર્યું એ પણ શોધી કાઢવામાં આવી રહ્યું છે.
પાકિસ્તાનના રંગપુરની રહેવાસી ફિરદૌસિયા ૧૯૫૬ની ૧૯ જાન્યુઆરીએ ત્રણ મહિનાના વીઝા લઈને ભારત આવી હતી. આ દરમિયાન ઇમરાના ત્રણ વર્ષના વીઝા પર આવી હતી અને ભૂગર્ભમાં ચાલી ગઈ હતી. અહીં બન્નેએ લગ્ન કરી લીધાં હતાં અને પોતાની પાકિસ્તાની નાગરિકતા વિશેની માહિતી છુપાવીને ભારતનાં મતદાર બન્યાં હતાં. ગૃહમંત્રાલયની તપાસ મુજબ ટાંકી લેનમાં ઇબ્તુલ હસનની પત્ની ઇમરાના ખાનમ ઉર્ફે ઇમરાના ખાતૂન અને મોહમ્મદ તફજીલ અહમદની પત્ની ફિરદૌસિયા ખાનમના નામે મતદાર ઓળખ કાર્ડ પણ બનાવવામાં આવ્યાં છે.
મ્યુનિસિપલ કૉર્પોરેશનની સરકારી ઉર્દૂ મિડલ સ્કૂલ બરહપુરામાં કામ કરતી શિક્ષિકા ઇમરાના ખાતૂન ઉર્ફે ઇમરાના ખાનમ જિલ્લા શિક્ષણ વિભાગમાં ૨૦૧૨થી કાર્યરત છે. ઇમરાના ખાતૂન ૨૦૧૩ની ૧૮ જુલાઈથી મ્યુનિસિપલ કૉર્પોરેશન વિસ્તારની સરકારી સ્કૂલમાં કામ કરે છે. શનિવારે તેની શાળાનું નિરીક્ષણ કરવામાં આવ્યું ત્યારે તે શાળામાં નહોતી. ઇમરાના ૨૩ જુલાઈથી તબીબી રજા પર છે.