કૉન્ગ્રેસની આગેવાનીવાળી સરકારે પણ બીબીસીને નોટિસ આપી હતી

17 February, 2023 10:27 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

બીબીસીએ ઝીરો ઇન્કમ જાહેર કરીને ક્રેડિટ માટે દાવો કર્યો હતો

પ્રતિકાત્મક ફાઇલ તસ્વીર

બીબીસીને આટલાં વર્ષોમાં યોગ્ય રીતે ટૅક્સ ન ચૂકવવા બદલ ઇન્કમ ટૅક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા અનેક નોટિસ આપવામાં આવી છે. મોટા ભાગના કેસ અદાલત સમક્ષ પેન્ડિંગ છે.

નવી દિલ્હી : ઇન્કમ ટૅક્સ ડિપાર્ટમેન્ટે બીબીસીની ઑફિસમાં સર્વે ઑપરેશન શરૂ કર્યું છે ત્યારથી દિલ્હીમાં બીબીસીના ઓછામાં ઓછા ૧૦ સિનિયર કર્મચારીઓ ઘરે જઈ શક્યા નહોતા. ગઈ કાલે આ ઑપરેશનનો ત્રીજો દિવસ હતો. 

દિલ્હીમાં બીબીસીના એક કર્મચારીએ જણાવ્યું હતું કે તેઓ હંમેશની જેમ તેમના ન્યુઝ બ્રૉડકાસ્ટ કરી રહ્યા છે અને અનેક કર્મચારીઓ ઘરેથી કામ કરી રહ્યા છે. દિલ્હી અને મુંબઈમાં બીબીસીની ઑફિસોમાં મંગળવારે સવારે સાડાઅગિયાર વાગ્યાથી આ ઑપરેશનની શરૂઆત થઈ હતી. 

કૉન્ગ્રેસ સહિતના વિરોધ પક્ષો આ સર્વે ઑપરેશનને બદલાની કાર્યવાહી ગણાવી રહ્યા છે, કેમ કે બીબીસીએ ગુજરાતમાં ૨૦૦૨માં થયેલાં કોમી રમખાણો પરની ડૉક્યુમેન્ટરી ‘ઇન્ડિયા ઃ ધ મોદી ક્વેશ્ચનન’ને તાજેતરમાં રિલીઝ કરી હતી. 

આ પણ વાંચો: જ્યારે ઈન્દિરા ગાંધીએ BBC પર મૂક્યો હતો બૅન, જાણો ત્યારે કેમ થઈ હતી કાર્યવાહી

કેન્દ્ર સરકારનાં સૂત્રોએ આ આરોપને ફગાવીને કહ્યું કે ‘બીબીસીને છેલ્લાં બે વર્ષમાં ફાઇનૅન્સ સંબંધિત ગરબડને ધ્યાનમાં લઈને અનેક નોટિસ આપવામાં આવી છે. આ નોટિસનો કોઈ જવાબ આપવામાં આવ્યો ન હોવાને કારણે જ ઇન્કમ ટૅક્સ ડિપાર્ટમેન્ટે આ સર્વે ઑપરેશન હાથ ધરવાનો નિર્ણય કર્યો હતો. 

જોકે પહેલી વખત બીબીસી મુશ્કેલીમાં મુકાયું હોય એમ નથી. આ પહેલાં યુપીએના કાર્યકાળ દરમ્યાન પણ ઇન્કમ ટૅક્સ ડિપાર્ટમેન્ટે બીબીસીના ઇન્ડિયા યુનિટને અનેક વખત નોટિસ આપી હતી. 

ઇન્કમ ટૅક્સ ડિપાર્ટમેન્ટે આકરણીના વર્ષ ૨૦૦૨-’૦૩ અને ૨૦૦૩-’૦૪ માટે ટ્રાન્સફર પ્રાઇસિંગ ઍડ્જસ્ટમેન્ટને લઈને ૨૦૦૫માં બીબીસીને નોટિસ આપી હતી. એ સમયે મૂકવામાં આવેલા આરોપો અનુસાર આકરણીના વર્ષ ૨૦૦૩-’૦૪ (પહેલી ડિસેમ્બર ૨૦૦૨થી ૩૧ માર્ચ, ૨૦૦૩ દરમ્યાનના સમયગાળા માટે) દરમ્યાન આ મીડિયા હાઉસે બીજી ડિસેમ્બર, ૨૦૨૩ના રોજ એના ઇન્કમ રિટર્નમાં ઝીરો ઇન્કમ જાહેર કરી હતી અને પછી ટીડીએસ અને પ્રીપેઇડ ટૅક્સ માટે ક્રેડિટ માટે દાવો કર્યો હતો. 

national news new delhi bbc congress income tax department