01 May, 2025 02:29 PM IST | Kolkata | Gujarati Mid-day Correspondent
હિન્દુ સંત ચિન્મય કૃષ્ણ દાસ
બંગલાદેશની હાઈ કોર્ટે ગઈ કાલે હિન્દુ સંત ચિન્મય કૃષ્ણ દાસને જામીન આપ્યા છે, તેઓ દેશદ્રોહના કેસમાં છેલ્લા પાંચ મહિનાથી જેલમાં બંધ હતા. હવે સુપ્રીમ કોર્ટ પર સૌની નજર છે, કારણ કે સુપ્રીમ કોર્ટ જામીનના આદેશ પર રોક લગાવી શકે છે. વાસ્તવમાં ચિન્મય કૃષ્ણ દાસ દ્વારા જામીન અરજી દાખલ કરવામાં આવી હતી. ન્યાયાધીશ મોહમ્મદ ઉતાઉર રહમાન અને ન્યાયાધીશ મોહમ્મદ અલી રઝાની બેન્ચે અરજી પર સુનાવણી હાથ ધરી આ આદેશ પસાર કર્યો હતો.
બંગલાદેશના ચટગાંવમાં ગયા વર્ષે ઑક્ટોબરમાં ‘સનાતન જાગરણ મંચ’ નામની રૅલી યોજાઈ હતી જેમાં ચિન્મય દાસે સંબોધન કર્યું હતું. એ જ દિવસે ન્યુ માર્કેટ વિસ્તારમાં ભગવો ધ્વજ લહેરાયો અને એમાં લખ્યું હતું કે ‘આમી સનાતની’. થોડા દિવસો બાદ બંગલાદેશ નૅશનલિસ્ટ પાર્ટીના નેતા ફિરોઝ ખાને આરોપ લગાવ્યો હતો કે આ ધ્વજની ઘટનાના કારણે દેશના રાષ્ટ્રીય ધ્વજનું અપમાન થયું છે. ત્યાર બાદ ચિન્મય દાસ સહિત ૧૯ લોકો વિરુદ્ધ દેશદ્રોહનો કેસ નોંધાયો હતો જેના કારણે તેમની ધરપકડ કરવામાં આવી હતી.