27 September, 2025 03:07 PM IST | Uttar Pradesh | Gujarati Mid-day Correspondent
મદરેસાના બંધ ટૉઇલેટમાંથી ૪૦ કિશોરીઓ છુપાયેલી મળી હતી.
ઉત્તર પ્રદેશના બહરાઇચમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો. પોલીસે એક ગેરકાનૂની મદરેસા પર છાપો માર્યો ત્યારે પોલીસ અધિકારીઓ પણ ચોંકી ગયા હતા. મદરેસાની તપાસ દરમ્યાન પોલીસને એક ટૉઇલેટમાં બંધ ૪૦ કિશોરીઓ મળી આવી હતી. આ તમામ છોકરીઓની ઉંમર નવથી ૧૪ વર્ષની હતી. પોલીસે જણાવ્યું હતું કે ગેરકાનૂની રીતે ચાલતી આ મદરેસાના નિરીક્ષણ માટે પોલીસની ટીમ પહોંચી ત્યારે તેમને એક ટૉઇલેટ બહારથી બંધ જોવા મળ્યું હતું. મહિલા પોલીસ અધિકારીઓએ જ્યારે ટૉઇલેટનો દરવાજો ખોલ્યો તો એક પછી એક કિશોરીઓ એમાંથી બહાર આવી હતી. તે તમામ ડરેલી હતી.
મદરેસાના સંચાલકો પાસે એક પણ દસ્તાવેજ નહોતો એમ જણાવીને પોલીસે કહ્યું હતું કે કિશોરીઓની પૂછપરછ કરતાં તેઓ વધુ બોલી નહોતી શકી, પણ તેમણે જણાવ્યું હતું કે તે બધી તાલીમ લેવા માટે મદરેસામાં આવતી હતી.
કેમ થઈ આ મદરેસા પર કાર્યવાહી?
ઉત્તર પ્રદેશમાં ગેરકાનૂની રીતે ચાલતી મદરેસાઓની સઘન તપાસ કરવાનો આદેશ મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે આપ્યો છે. ખાસ કરીને નેપાલ સીમાની નજીક આવેલી મદરેસાઓના નિરીક્ષણની કામગીરી અત્યારે પુરજોશમાં ચાલી રહી છે. બહરાઇચની આ મદરેસામાં પણ વિદેશથી ફન્ડિંગ આવતું હોવાની માહિતીના આધારે એના દસ્તાવેજો તપાસવા માટે દરોડો પાડવામાં આવ્યો હતો.