27 January, 2026 04:11 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
ઉત્તરાખંડમાં ચાર ધામ યાત્રાના પવિત્ર મંદિરો યમુનોત્રી, ગંગોત્રી, કેદારનાથ અને બદ્રીનાથ (મિડ-ડે)
હિન્દુઓના સૌથી પ્રવિત્ર યાત્રા ધમોમાંથી ઉત્તરાખંડના બદ્રીનાથ, કેદારનાથ અને ગંગોત્રી મંદિરોમાં બિન-હિન્દુઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિ (BKTC) આ મુદ્દા પર સર્વસંમતિ પર પહોંચી ગઈ છે, અને આ પ્રસ્તાવ પર અંતિમ નિર્ણય આ અઠવાડિયાના અંતમાં મળનારી બોર્ડ મીટિંગમાં લેવામાં આવશે. ગંગોત્રી મંદિર સમિતિએ બિન-હિન્દુઓ માટે પ્રવેશ પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે. જોકે, ચાર ધામનો ભાગ રહેલી યમુનોત્રી મંદિર સમિતિએ હજી સુધી આ બાબતે કોઈ નિર્ણય લીધો નથી તેમ છતાં આ મુદ્દે હવે દેશમાં રાજકીય વિવાદ શરૂ થઈ ગયો છે.
આ મુદ્દે, મુખ્ય પ્રધાન પુષ્કર સિંહ ધામીએ જણાવ્યું હતું કે ચાર ધામ યાત્રા અને મંદિરોના સંચાલનની જવાબદારી મુખ્યત્વે મંદિર સમિતિઓની છે. સરકારની ભૂમિકા ફક્ત સહાયક છે. તેમણે જણાવ્યું હતું કે તમામ સંબંધિત પક્ષોના મંતવ્યો ધ્યાનમાં લેવામાં આવશે. બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિના અધ્યક્ષ હેમંત દ્વિવેદીએ જણાવ્યું હતું કે સંતો, પુજારીઓ અને સ્થાનિક રહેવાસીઓ સહિત તમામ હિસ્સેદારો સાથે ચર્ચા કર્યા પછી સર્વસંમતિ સધાઈ છે. તેમણે ઉમેર્યું હતું કે બોર્ડ મીટિંગમાં પ્રસ્તાવ મંજૂર થયા પછી બદ્રીનાથ અને કેદારનાથ મંદિરોમાં આ નિયમ લાગુ કરવામાં આવશે. દ્વિવેદીએ જણાવ્યું હતું કે બિન-હિન્દુઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાની પરંપરા આદિ શંકરાચાર્યના સમયથી ચાલી આવે છે, અને ભારતીય બંધારણ ધાર્મિક સ્થળોનું સંચાલન કરવાનો અધિકાર આપે છે. તેમણે જણાવ્યું હતું કે બદ્રીનાથ અને કેદારનાથ પર્યટન સ્થળો નથી પરંતુ શ્રદ્ધાના કેન્દ્રો છે. તેમણે એ પણ સ્પષ્ટ કર્યું હતું કે સનાતન ધર્મમાં માનનારા લોકોનું મંદિરોમાં સ્વાગત છે. તેમણે જણાવ્યું હતું કે આ મુદ્દો કોઈ ચોક્કસ ધર્મનો નથી, પરંતુ વ્યક્તિની શ્રદ્ધાનો છે.
ગંગોત્રી મંદિર સમિતિના સચિવ સુરેશ સેમવાલે જણાવ્યું હતું કે કોઈપણ બિન-હિન્દુને ગંગા મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે નહીં. તેમણે ઉમેર્યું હતું કે આ નિર્ણય અગાઉ પણ પુનરાવર્તિત કરવામાં આવ્યો છે અને હવે ફરીથી ઔપચારિક રીતે જાહેર કરવામાં આવ્યો છે. ગંગોત્રી ધામ બિન-હિન્દુઓ માટે સંપૂર્ણપણે પ્રતિબંધિત રહેશે. તેવી જ રીતે, હરિદ્વારમાં `હર કી પૌરી અને આસપાસના ઘાટોનું સંચાલન કરતી સંસ્થા ગંગા સભાએ પણ અર્ધ કુંભ 2027 પહેલા કુંભ વિસ્તારમાં આવેલા તમામ ગંગા ઘાટ અને ધાર્મિક સ્થળોએ બિન-હિંદુઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાની માગ કરી છે. હરિદ્વાર મ્યુનિસિપલ કૉર્પોરેશન ઍક્ટ 1916 ને ટાંકીને, ગંગા સભાએ હર કી પૌરી વિસ્તારમાં ‘બિન-હિંદુ પ્રતિબંધિત ક્ષેત્ર’ ના ચિહ્નો પણ લગાવ્યા છે.
આ નિર્ણયનો રાજકીય વિરોધ પણ થયો છે. કૉંગ્રેસ પાર્ટીએ કહ્યું કે ઉત્તરાખંડ ભાજપ સરકાર આવા મુદ્દાઓ ઉઠાવીને જાહેર સમસ્યાઓ પરથી ધ્યાન હટાવવાનો પ્રયાસ કરી રહી છે. ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન હરીશ રાવતે કહ્યું કે સરકારે વારંવાર આવા નિર્ણયોથી જનતાને મૂંઝવણમાં મૂકવાને બદલે એકવાર અને કાયમ માટે ક્યાં પ્રતિબંધો લાદવા તે નક્કી કરવું જોઈએ. કૉંગ્રેસના નેતા હુસૈન દલવાઈએ પણ આ નિર્ણયની આકરી ટીકા કરતા કહ્યું કે આવા નિર્ણયો દેશના બંધારણની ભાવના વિરુદ્ધ છે. તેમણે કહ્યું કે કૉંગ્રેસ પાર્ટી તેનો વિરોધ કરશે. દરમિયાન, મંદિર સમિતિઓએ જાહેરાત કરી હતી કે બદ્રીનાથ મંદિરના દરવાજા 23 એપ્રિલે ખુલશે. ગંગોત્રી અને યમુનોત્રી મંદિરના દરવાજા 19 એપ્રિલે અક્ષય તૃતીયાના દિવસે ખુલશે. કેદારનાથ મંદિરના દરવાજા ખોલવાની તારીખ મહાશિવરાત્રીના રોજ જાહેર કરવામાં આવશે.