midday

બાબા રામદેવના નિશાના પર શરબત જેહાદ

14 April, 2025 08:16 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

કહે છે કે શરબત વેચતી એક કંપની કમાણીમાંથી મસ્જિદ, મદરેસા બનાવે છે; એના કરતાં પતંજલિનું ગુલાબ શરબત પીઓ જે ગુરુકુળ અને આચાર્યકુલમને સમર્થન આપે છે
યોગગુરુ બાબા રામદેવ

યોગગુરુ બાબા રામદેવ

યોગગુરુ બાબા રામદેવે ફેસબુક પર મૂકેલો એક વિડિયો વાઇરલ થયો છે જેમાં તેમણે ‘શરબત જેહાદ’ શબ્દનો ઉપયોગ કર્યો છે અને એને પગલે વિવાદ થયો છે. આ વિડિયોમાં તેઓ કહી રહ્યા છે કે શરબત વેચતી એક કંપની એની કમાણીનો ઉપયોગ મસ્જિદો અને મદરેસા બનાવવા માટે કરી રહી છે.

આ વિડિયો પતંજલિ પ્રોડક્ટ્સ દ્વારા તેમના ફેસબુક-પેજ પર હિન્દી કૅપ્શન સાથે શૅર કરવામાં આવ્યો છે જેનું ટાઇટલ છે ‘તમારા પરિવાર અને નિર્દોષ બાળકોને શરબત જેહાદ અને ઠંડા પીણાના નામે વેચાતા ટૉઇલેટ ક્લીનરથી બચાવો. ઘરે ફક્ત પતંજલિ શરબત અને જૂસ લાવો.’

આ વિડિયોમાં બાબા રામદેવ સૉફ્ટ ડ્રિન્ક્સની ટીકા કરતા જોવા મળે છે અને કહે છે કે એ ઉનાળામાં તરસ છિપાવવાના નામે ટૉઇલેટ ક્લીનર પીવા સમાન છે. તેઓ આની તુલના ઝેર સાથે કરે છે. તેઓ આગળ કહે છે, ‘ઉનાળામાં તરસ છિપાવવાના નામે લોકો ઠંડાં પીણાં પીએ છે જે મૂળભૂત રીતે ટૉઇલેટ ક્લીનર જેવાં છે અને ઝેર પીવા સમાન છે. બીજી તરફ શરબત વેચતી એક કંપની એમાંથી કમાયેલાં નાણાંનો ઉપયોગ મસ્જિદો અને મદરેસા બનાવવા માટે કરે છે. એ ઠીક છે કે એ તેમનો ધર્મ છે. પતંજલિનું ગુલાબનું શરબત પસંદ કરવાથી એ ગુરુકુળો, આચાર્યકુલમ, પતંજલિ યુનિવર્સિટીને સમર્થન આપે છે.’

બાબા રામદેવે લવ જેહાદ અને વોટ જેહાદની જેમ નવો શબ્દ શરબત જેહાદ આપ્યો છે અને કહ્યું છે કે લોકોએ એનાથી બચવું જોઈએ.

baba ramdev viral videos social media facebook religion Patanjali national news news