27 June, 2026 10:02 AM IST | Ayodhya | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે અયોધ્યાની સ્પેશ્યલ કોર્ટમાં થયેલી સુનાવણી પછી આઠેય આરોપીઓને જેલમાં લઈ જવામાં આવી રહ્યા હતા
અયોધ્યાના રામ મંદિરમાં શ્રદ્ધાળુઓ દ્વારા ચડાવવામાં આવતા દાનની રકમની કથિત ઉચાપતના મામલે દેશભરમાં ભારે હોબાળો મચી ગયો છે. આ હાઈ-પ્રોફાઇલ કેસમાં સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની તપાસ બાદ સ્થાનિક કોર્ટે ધરપકડ કરાયેલા તમામ ૮ આરોપીઓને ૨૯ જૂન સુધી જુડિશ્યલ કસ્ટડીમાં જેલભેગા કરી દીધા છે. તપાસ દરમ્યાન પોલીસે આરોપીઓ પાસેથી આશરે ૭૯.૮૫ લાખ રૂપિયાની રોકડ પણ જપ્ત કરી છે. પ્રાથમિક તપાસ મુજબ પકડાયેલા આરોપીઓમાંના ૬ લોકો બૅન્કની આઉટસોર્સ્ડ કૅશ મૅનેજમેન્ટ એજન્સીના કર્મચારીઓ છે જેમને મંદિરમાં દાન ગણવાની જવાબદારી સોંપાઈ હતી અને તેઓ સીધા જ આ ચોરીમાં સામેલ હતા. આ મોટું આર્થિક કૌભાંડ સપાટી પર આવ્યા બાદ ભારે લોકાક્રોશ વચ્ચે રામ મંદિરના બે ટ્રસ્ટીઓએ નૈતિક જવાબદારી સ્વીકારીને રાજીનામા ધરી દીધાં હતાં.
ગુરુવારે ફરિયાદ : મંદિરમાં ચડાવાની રકમની ગણતરી દરમ્યાન ગેરરીતિ જણાતાં ગુરુવારે સત્તાવાર રીતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. SITનો પ્રાથમિક રિપોર્ટ સબમિટ થતાંની સાથે જ સમગ્ર તંત્ર હરકતમાં આવ્યું અને કાર્યવાહી શરૂ થઈ હતી.
તાત્કાલિક ધરપકડ : ફરિયાદના ગણતરીના કલાકોમાં જ પાલીસે કૅશ મૅનેજમેન્ટ એજન્સીના છ કર્મચારીઓ સહિત કુલ ૮ લોકોની ધરપકડ કરી હતી અને તેમની પાસેથી કાળી કમાણીની લાખોની રોકડ જપ્ત કરી હતી.
ટ્રસ્ટીઓનાં રાજીનામાં : આ કૌભાંડ બહાર આવતાં જ કરોડો રામભક્તોની આસ્થાને ભારે ઠેસ પહોંચી હતી, જેના પગલે મંદિરના બે પ્રમુખ ટ્રસ્ટી ચંપત રાય અને અનિલ મિશ્રાએ પક્ષપાત વિના તટસ્થ તપાસ થાય એ માટે પોતાનાં રાજીનામાં આપી દીધાં હતાં.
જુડિશ્યલ કસ્ટડી : સ્થાનિક કોર્ટે તમામ આઠેય આરોપીઓને ૨૯ જૂન સુધી જેલમાં મોકલવાનો આદેશ આપ્યો છે. સોમવારે તેમને ફરી કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે અને તપાસ યથાવત્ રહેશે.