06 February, 2024 08:33 AM IST | Mathura | Gujarati Mid-day Online Correspondent
કૃષ્ણ જન્મભૂમિ (સૌજન્ય મિડ-ડે)
Krishna Janmabhoomi: ઉત્તર પ્રદેશના મૈનપુરીના અજય પ્રતાપ સિંહે RTI દાખળ કરીને કેશવદેવ મંદિરને તોડવા વિશે માહિતી માગી હતી. આના કૃષ્ણ જન્મભૂમિ પરિસરમાં હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
મથુરાની કૃષ્ણ જન્મભૂમિને લઈને મહત્ત્વની માહિતી સામે આવી છે. એક RTI એટલે કે રાઈટ ટુ ઈન્ફૉર્મેશનના જવાબમાં ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI)એ જણાવ્યું કે પરિસરમાં મુગલ શાસક ઔરંગઝેબે મસ્જિદ માટે હિંદૂ મંદિર તોડ્યું હતું. જો કે RTIના જવાબમાં ખાસ કરીને `કૃષ્ણ જન્મભૂમિ`નો ઉલ્લેખ નથી, પણ કેશવદેવ મંદિરની વાત કહેવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે શાહી ઈદગાહને ખસેડવા માટે ચાલતી કાયદાકીય જંગમાં RTIનો જવાબ મહત્ત્વનો સાબિત થઈ શકે છે.
ઉત્તર પ્રદેશના મૈનપુરીના અજય પ્રતાપ સિંહે કેશવદેવ મંદિરને તોડી પાડવા અંગે માહિતી માગતી RTI દાખલ કરી હતી. તે કૃષ્ણ જન્મભૂમિ સંકુલમાં હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. ASI આગ્રા સર્કલના અધિકારી દ્વારા RTIનો જવાબ આપવામાં આવ્યો હતો. તે વાતની પુષ્ટિ કરવામાં આવી છે કે વિવાદિત સ્થળ પર સ્થિત કેશવદેવ મંદિરને મુગલ શાસક દ્વારા તોડી પાડવામાં આવ્યું હતું.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ASIએ આ જાણકારી મથુરા કૃષ્ણ જન્મભૂમિના 1920 ગેઝેટના ઐતિહાસિક રેકોર્ડના આધારે આપી છે. તેમાં ગેઝેટમાંથી એક અવતરણ પણ સામેલ હતું, જેમાં કહેવામાં આવ્યું હતું કે, `કટરા ટેકરાના કેટલાક ભાગો જે નઝુલના કબજામાં નથી, જ્યાં કેશવદેવનું મંદિર અગાઉ ઊભું હતું, તેને તોડી પાડવામાં આવ્યું હતું અને તેનો ઉપયોગ ઔરંગઝેબની મસ્જિદ માટે કરવામાં આવ્યો હતો. ...`
શા માટે મહત્વપૂર્ણ?
ટાઈમ્સ ઑફ ઈન્ડિયાના અહેવાલ અનુસાર, મસ્જિદ વિરુદ્ધ અરજી કરનારાઓમાંના એક એડવોકેટ મહેન્દ્ર પ્રતાપ સિંહનું કહેવું છે કે તેઓ અલ્હાબાદ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સમક્ષ મહત્ત્વપૂર્ણ પુરાવા રજૂ કરશે. તેમણે કહ્યું, `ઐતિહાસિક પુરાવાના આધારે અમે અમારી અરજીમાં જણાવ્યું છે કે ઔરંગઝેબે 1670માં મથુરામાં કેશવદેવ મંદિરને તોડી પાડવાનો આદેશ જાહેર કર્યો હતો.`
તેમણે કહ્યું, `આ પછી ત્યાં શાહી ઇદગાહ મસ્જિદ બનાવવામાં આવી હતી. હવે ASIએ RTIના જવાબમાં માહિતી આપી છે. અમે 22 ફેબ્રુઆરીએ આગામી સુનાવણી દરમિયાન હાઈકોર્ટમાં ASIનો જવાબ પણ રજૂ કરીશું. તેમણે કહ્યું કે આનાથી શાહી ઇદગાહ મસ્જિદના સર્વેની અમારી માગને મજબૂતી મળશે. ગયા અઠવાડિયે જ સુપ્રીમ કોર્ટે શાહી ઇદગાહ મસ્જિદની કોર્ટની દેખરેખ હેઠળ અલ્હાબાદ હાઇકોર્ટ દ્વારા આપવામાં આવેલા આદેશ પર વચગાળાનો સ્ટે મુકી દીધો હતો. આ પ્રતિબંધ એપ્રિલના મધ્ય સુધી અમલમાં રહેશે.
તમને જણાવી દઈએ કે હિંદુ પક્ષ તરફથી એવો દાવો કરવામાં આવે છે કે ઔરંગઝેબે 1670માં મંદિરનો ધ્વંસ કર્યો હતો. ઈદગાહ મસ્જિદ ગેરકાયદેસર અતિક્રમણ દ્વારા બનાવવામાં આવી છે. હિન્દુ પ્રતીકો, મંદિરના સ્તંભોને નુકસાન પહોંચાડવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા અને હિન્દુઓને પૂજા કરતા રોકવામાં આવી રહ્યા હતા.
તો બીજી બાજુ મુસ્લિમ પક્ષનો દાવો એવો છે કે મંદિરને તોડીને મસ્જિદ બનાવવાના ઇતિહાસમાં કોઈ પુરાવા મળતા નથી. હકીકતોને વિકૃત કરવામાં આવી રહી છે. મંદિર ટ્રસ્ટને 1968ના કરાર સામે કોઈ વાંધો નથી. પૂજા સ્થળ અધિનિયમનું પાલન કરવું જોઈએ.