અવકાશમાંથી પાછા ફરેલા શુભાંશુ શુક્લા બે મહિના પછી પત્ની અને પુત્રને ગળે મળ્યા

17 July, 2025 08:17 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

સ્પેસ ફ્લાઇટ અદ્ભુત છે, પણ લાંબા સમય પછી તમારા પ્રિયજનોને જોવા એ પણ એટલું જ અદ્ભુત છે. મને ક્વૉરન્ટાઇનમાં દાખલ થયાને બે મહિના થઈ ગયા છે

શુભાંશુએ તેમની પત્ની ડૉ. કામના શુક્લાને ગળે લગાવી હતી અને પછી દીકરાને જોતાં જ તેને ઊંચકી લીધો હતો.

ઇન્ટરનૅશનલ સ્પેસ સ્ટેશન (ISS)માં ૧૮ દિવસ વિતાવ્યા બાદ અવકાશયાત્રી શુભાંશુ શુક્લા મંગળવારે પૃથ્વી પર પાછા ફર્યા બાદ ગઈ કાલે તેમના પરિવારને મળ્યા હતા. આ સમયે તેઓ ખૂબ જ ભાવુક દેખાતા હતા. શુભાંશુએ તેમની પત્ની ડૉ. કામના શુક્લાને ગળે લગાવી હતી અને પછી દીકરાને જોતાં જ તેને ઊંચકી લીધો હતો.

આ મુદ્દે શુભાંશુ શુક્લાએ એક ભાવુક પોસ્ટ લખી હતી...

સ્પેસ ફ્લાઇટ અદ્ભુત છે, પણ લાંબા સમય પછી તમારા પ્રિયજનોને જોવા એ પણ એટલું જ અદ્ભુત છે. મને ક્વૉરન્ટાઇનમાં દાખલ થયાને બે મહિના થઈ ગયા છે. ક્વૉરન્ટાઇન વખતે પરિવાર સાથેની મુલાકાતો વખતે અમારે ૮ મીટરનું અંતર રાખવું પડતું હતું. મારા નાના બાળકને કહેવું પડ્યું કે તેના હાથ પર જર્મ્સ (જંતુઓ) છે એટલે તે તેના પિતાને સ્પર્શ કરી શકતો નથી. જ્યારે પણ તે મુલાકાત માટે આવતો ત્યારે તેની મમ્મીને પૂછતો કે ‘શું હું મારા હાથ ધોઈ શકું?’ એ પડકારજનક હતું. પૃથ્વી પર પાછા આવીને અને મારા પરિવારને મારા હાથમાં પકડીને ઘર જેવું લાગ્યું. આજે જ કોઈ પ્રિયજન શોધો અને તેમને કહો કે તમે તેમને પ્રેમ કરો છો. આપણે ઘણી વાર જીવનમાં વ્યસ્ત થઈ જઈએ છીએ અને ભૂલી જઈએ છીએ કે આપણા જીવનમાં લોકો કેટલા મહત્ત્વપૂર્ણ છે.

shubhanshu shukla international space station indian space research organisation national news news AXIOM 4 Mission travel travel news