પત્ની કૅન્સર સામેની લડાઈ હારી એટલે આસામના ગૃહસચિવે ICUમાં જ આત્મહત્યા કરી લીધી

20 June, 2024 02:02 PM IST  |  Assam | Gujarati Mid-day Correspondent

મંગળવારે બપોરે પત્નીનું મૃત્યુ થયા ગયા બાદ તરત જ શિલાદિત્ય ચેટિયાએ ICUમાં સરકારી રિવૉલ્વરથી પોતાને ગોળી મારી દીધી હતી

આસામના ગૃહસચિવ પત્ની સાથે

આસામના ગૃહસચિવ શિલાદિત્ય ચેટિયાનાં પત્નીનું કૅન્સર સામેની લાંબી લડાઈ બાદ મૃત્યુ થતાં તેમણે હૉસ્પિટલમાં જ આત્મહત્યા કરી લીધી હતી. IPS અધિકારી શિલાદિત્ય ચેટિયા આસામ સરકારમાં ગૃહ અને રાજકીય સચિવ તરીકે ફરજ બજાવતા હતા. તેમની પત્ની લાંબા સમયથી બીમાર હતી અને ગુવાહાટીની નેમકૅર હૉસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી હતી. શિલાદિત્ય ચેટિયા બીમાર પત્નીની દેખરેખ માટે છેલ્લા ચાર મહિનાથી રજા પર હતા. મંગળવારે બપોરે પત્નીનું મૃત્યુ થયા ગયા બાદ તરત જ શિલાદિત્ય ચેટિયાએ ઇન્ટેન્સિવ કૅર યુનિટ (ICU)માં સરકારી રિવૉલ્વરથી પોતાને ગોળી મારી દીધી હતી.

હૉસ્પિટલના ડૉક્ટરે જણાવ્યું હતું કે ‘ચેટિયાની પત્ની છેલ્લાં બે વર્ષથી બીમાર હતી અને આ હૉસ્પિટલમાં તે બે મહિનાથી દાખલ હતી. પત્ની માટે શિલાદિત્ય ચેટિયાએ હૉસ્પિટલમાં એક અલગ રૂમ લીધો હતો. મંગળવારે સાંજે તેમને પત્નીના મૃત્યુની જાણ કરવામાં આવી ત્યારે ડૉક્ટર અને એક નર્સ તેમની સાથે રૂમમાં હાજર હતાં. અધિકારીએ તેમને પ્રાર્થના કરવાના બહાને બહાર મોકલ્યાં અને લગભગ ૧૦ મિનિટ બાદ રૂમમાંથી મોટો અવાજ સંભળાયો હતો.’

assam suicide national news