15 April, 2025 08:41 AM IST | Srinagar | Gujarati Mid-day Correspondent
ટ્યુલિપ ગાર્ડન
એશિયાના સૌથી મોટા ટ્યુલિપ ગાર્ડનમાં ૧૭ લાખ ટ્યુલિપ્સને જોવા માટે ૧૭ દિવસમાં ૬ લાખથી વધુ ટૂરિસ્ટ આવ્યા છે અને એક રેકૉર્ડ બન્યો છે. શ્રીનગરમાં આવેલા ઇન્દિરા ગાંધી મેમોરિયલ ટ્યુલિપ ગાર્ડનમાં ૨૬ માર્ચથી ટ્યુલિપ્સ શોની શરૂઆત થઈ છે અને એ પચીસમી એપ્રિલ સુધી ખુલ્લું રહેવાની શક્યતા છે. આ ગાર્ડનમાં ૭૪ પ્રકારનાં ટ્યુલિપ્સ જોવા મળે છે. આ વર્ષે નેધરલૅન્ડ્સથી વધુ બે જાતનાં ટ્યુલિપ્સ મગાવવામાં આવ્યાં છે. આ રંગબેરંગી ફૂલો ટૂરિસ્ટોનું મન મોહી લે છે. ૧૦૦ માળી અને અસંખ્ય મજૂરો આ બાગની કાળજી રાખે છે અને ખૂબ મહેનત કરે છે ત્યારે આટલાં ટ્યુલિપ્સ ઉગાડી શકાય છે. ૨૦૨૩માં આ ગાર્ડનને સૌથી મોટા ગાર્ડનના રૂપમાં બુક ઑફ વર્લ્ડ રેકૉર્ડ્સમાં સ્થાન આપવામાં આવ્યું હતું. ૨૦૨૪માં ૩૦ દિવસમાં ૪,૪૬,૧૫૪ ટૂરિસ્ટો આવ્યા હતા, પણ આ વખતે એટલા ટૂરિસ્ટો પહેલા ૧૫ દિવસમાં જ આવી ગયા હતા.