17 March, 2025 10:50 AM IST | Udaipur | Gujarati Mid-day Correspondent
મહારાણા પ્રતાપના વંશજ ૮૧ વર્ષના અરવિંદ સિંહ મેવાડનું ગઈ કાલે સવારે નિધન થયું
મહારાણા પ્રતાપના વંશજ ૮૧ વર્ષના અરવિંદ સિંહ મેવાડનું ગઈ કાલે સવારે નિધન થયું હતું. તેઓ ઘણા વખતથી બીમાર હતા. તેમનો ઉપચાર ઉદયપુરના સિટી પૅલેસના શંભુ નિવાસમાં કરવામાં આવી રહ્યો હતો જ્યાં તેમણે ગઈ કાલે સવારે અંતિમ શ્વાસ લીધા હતા. તેમના નિધન બાદ સિટી પૅલેસને ટૂરિસ્ટો માટે બંધ કરી દેવામાં આવ્યો હતો. તેમના નિધનના સમાચારથી મેવાડમાં શોકની લહેર દોડી ગઈ હતી. તેમના મોટા ભાઈ મહેન્દ્ર સિંહ મેવાડનું ૨૦૨૪ની ૧૦ નવેમ્બરે નિધન થયું હતું.
આજે અંતિમ સંસ્કાર
આજે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. તેમની અંતિમ યાત્રા શંભુ નિવાસથી શરૂ થઈ બડી પોલ, જગદીશ ચૌક, ઘંટાઘર, બડા બાઝાર, દિલ્હી ગેટ થઈને મહાસતિયા જશે.
૧૯૪૪માં જન્મ
તેઓ મહારાણા ભગવત સિંહ મેવાડ અને સુશીલા કુમારી મેવાડના નાના પુત્ર હતા અને ઉદયપુરના સિટી પૅલેસમાં ૧૯૪૪ની ૧૩ ડિસેમ્બરે તેમનો જન્મ થયો હતો. તેમણે અજમેરની પ્રતિષ્ઠિત મેયો કૉલેજમાં સ્કૂલ શિક્ષણ પૂર્ણ કર્યું હતું અને ઉદયપુરની મહારાણા ભૂપાલ કૉલેજમાં આર્ટ્સમાં ગ્રેજ્યુએશન કર્યું હતું. તેમણે યુનાઇટેડ કિંગડમ (UK)ની સેન્ટ ઍલ્બન્સ મેટ્રોપૉલિટન કૉલેજમાંથી હોટેલ-મૅનેજમેન્ટની ડિગ્રી મેળવી હતી. થોડો સમય તેમણે અમેરિકામાં નોકરી કરી હતી. તેઓ HRH (હિસ્ટૉરિક રિસૉર્ટ હોટેલ્સ) ગ્રુપ ઑફ હોટેલ્સના ચૅરમૅન અને મૅનેજિંગ ડિરેક્ટર હતા. મેવાડની ઘણી સંસ્થાઓમાં તેઓ ટ્રસ્ટી તરીકે નિયુક્ત હતા.
મેવાડની સંસ્કૃતિના સંરક્ષક
તેઓ રાજવી પરંપરા અને મેવાડની સંસ્કૃતિના સંરક્ષક રહ્યા હતા. સિટી પૅલેસના સંરક્ષણ અને વિસ્તારમાં તેમણે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. તેમની પાસે આશરે ૫૦,૦૦૦ કરોડ રૂપિયાની સંપત્તિ છે.