30 July, 2026 10:44 AM IST | Jharkhand | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે રાંચીમાં પ્રેસ-કૉન્ફરન્સ યોજીને સુરક્ષાદળે મિસિર બેસરાની અને અન્ય માઓવાદીઓની ધરપકડની માહિતી આપી હતી.
પ્રતિબંધિત કમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઇન્ડિયા (CPI) (માઓવાદી)ના છેલ્લા બાકી રહેલા સક્રિય નેતા અને સેન્ટ્રલ કમિટી (CC) અને પૉલિટબ્યુરોના મેમ્બર મિસિર બેસરાની મંગળવારે ઝારખંડના ધનબાદ જિલ્લામાં ધરપકડ કરવામાં આવી હતી. આ મુદ્દે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) અને ઝારખંડ પોલીસના અધિકારીઓએ જણાવ્યું હતું કે મિસિર બેસરાની ધરપકડની માહિતી આપનારને એક કરોડ રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું. બેસરાને ધનબાદ-ગિરિડીહ સરહદ નજીક ટુંડી-મંડિયા જંગલવિસ્તારમાં સુરક્ષા-કાર્યવાહીથી ભાગી જવાનો પ્રયાસ કરતી વખતે પકડવામાં આવ્યો હતો. બેસરા પારસનાથ મંદિરની તળેટીમાં જંગલવિસ્તારમાં ફસાઈ ગયો હતો. મોટી સંખ્યામાં દળોની તહેનાતી અને તેના મુખ્ય સહયોગીઓની શરણાગતિને કારણે રાત્રે ૯ વાગ્યે તે જંગલમાંથી ભાગી જવાનો પ્રયાસ કરી રહ્યો હતો. બે દાયકાથી વધુ સમય પછી તેને જીવતો પકડવામાં આવ્યો છે.
બેસરાની ધરપકડ બાદ પ્રતિબંધિત CPI (માઓવાદી)ના કોઈ સક્રિય સભ્ય ફરાર નથી. તેના સંગઠનમાં ૪૦થી વધુ સભ્યો હતા. સુરક્ષા દળોએ બાકીના ૨૧ સક્રિય સભ્યોની ધરપકડ કરી છે, તેમની હત્યા કરી છે અથવા તેમને શરણાગતિ અપાવી છે. બેસરા એવા થોડા વરિષ્ઠ નેતાઓમાંનો એક હતો જેણે સતત શરણાગતિ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો.
આ મુદ્દે બેસરાના પુત્ર સિદ્ધાર્થ બેસરાએ જણાવ્યું હતું કે ‘મને હજી સુધી ધરપકડની ઔપચારિક જાણ કરવામાં આવી નથી. મેં તેમને ૨૦ વર્ષથી જોયા નથી, પરંતુ મને આનંદ છે કે દળોએ તેમને જીવતા પકડ્યા છે.’