મધ્ય પ્રદેશની ભોજશાળામાં પ્રાચીન મંદિરોના અવશેષનો ઉપયોગ કરીને મસ્જિદ બાંધવામાં આવી

25 February, 2026 08:32 AM IST  |  Dhar | Gujarati Mid-day Correspondent

આર્કિયોલૉજિકલ સર્વેની વિગતવાર તપાસનું તારણ

મધ્ય પ્રદેશની ભોજશાળા

આર્કિયોલૉજિકલ સર્વે ઑફ ઇન્ડિયા (ASI)એ એના વિગતવાર તપાસ-અહેવાલમાં તારણ કાઢ્યું છે કે મધ્ય પ્રદેશના ધાર જિલ્લામાં વિવાદિત ભોજશાળા સંકુલમાં કમાલ મૌલા મસ્જિદ પ્રાચીન મંદિરોના અવશેષોનો ઉપયોગ કરીને બનાવવામાં આવી હતી. આ નિષ્કર્ષ વૈજ્ઞાનિક પરીક્ષણ, ભૂમિસર્વેક્ષણ, ખોદકામ અને પ્રાપ્ત અવશેષોના વિશ્લેષણ, સ્થાપત્ય સુવિધાઓનો અભ્યાસ, શિલાલેખ અને કલા તથા શિલ્પ તત્ત્વોના મૂલ્યાંકન પર આધારિત છે. ASIએ જણાવ્યું હતું કે હાલનું માળખું સદીઓ પછી બનાવવામાં આવ્યું હતું અને એમાં સમપ્રમાણતા, ડિઝાઇન અથવા સ્થાપત્ય સંતુલનમાં એકરૂપતા દર્શાવવામાં નથી આવી.

સોમવારે મધ્ય પ્રદેશ હાઈ કોર્ટની ઇન્દોર બેન્ચને રિપોર્ટ સુપરત કરવામાં આવ્યો હતો જેણે ASIના સર્વેક્ષણ-રિપોર્ટ પર તમામ પક્ષોને તેમનાં મંતવ્યો, વાંધા, સૂચનો અને ભલામણ રજૂ કરવા માટે બે અઠવાડિયાંનો સમય આપ્યો હતો.

એ ભોજશાળાને હિન્દુ સમુદાય વાગ્દેવી અથવા દેવી સરસ્વતીનું મંદિર માને છે, જ્યારે મુસ્લિમ પક્ષ ૧૧મી સદીના એ સ્મારક પર કમાલ મૌલા મસ્જિદ તરીકે દાવો કરે છે. હાઈ કોર્ટના નિર્દેશો પર એજન્સી દ્વારા ASI-સંરક્ષિત સંકુલનો સર્વે કરવામાં આવ્યો હતો અને બે વર્ષ પહેલાં સીલબંધ કવરમાં વિગતવાર અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો.

સુપ્રીમ કોર્ટે ૨૨ જાન્યુઆરીએ હાઈ કોર્ટને ASI રિપોર્ટ ધરાવતું કવર ખોલવાનો નિર્દેશ આપ્યો હતો. સંબંધિત પક્ષોને બે અઠવાડિયાંમાં વાંધા અને મંતવ્યો રજૂ કરવાનો નિર્દેશ આપતાં હાઈ કોર્ટે આગામી સુનાવણીની તારીખ ૧૬ માર્ચ નક્કી કરી હતી.

વિવાદિત સંકુલમાં કમાલ મૌલા મસ્જિદમાં શુક્રવારની નમાજ પઢતી ત્રણ વ્યક્તિઓએ હિન્દુ ફ્રન્ટ ફૉર જસ્ટિસ દ્વારા દાખલ કરાયેલા કેસમાં હાઈ કોર્ટમાં હસ્તક્ષેપ કરતી અરજીઓ દાખલ કરી છે. ધારમાં ઐતિહાસિક સંકુલ વિશે વિવાદ થયા બાદ ASIએ ૨૦૦૩ની ૭ એપ્રિલે એક આદેશ રજૂ કર્યો હતો જેમાં હિન્દુઓને દર મંગળવારે સ્થળ પર પૂજા કરવાની અને મુસ્લિમોને દર શુક્રવારે ત્યાં નમાજ પઢવાની મંજૂરી આપવામાં આવી હતી.

૨૦૦૦ પાનાંનો રિપોર્ટ

અરજદાર સંગઠન હિન્દુ ફ્રન્ટ ફૉર જસ્ટિસના વકીલ ઍડ્વોકેટ વિનય જોશીએ પત્રકારોને જણાવ્યું હતું કે ‘ASIએ વિવાદિત સંકુલનો ૯૮ દિવસનો વૈજ્ઞાનિક સર્વે કર્યા પછી ૧૦ વૉલ્યુમમાં ૨૦૦૦થી વધુ પાનાંનો અહેવાલ તૈયાર કર્યો છે. આ અહેવાલમાં સિક્કા, સનાતન ધર્મ સાથે સંકળાયેલાં પ્રતીકો અને સ્થળ પર મળી આવેલી દેવતાઓની મૂર્તિઓનું વિગતવાર વર્ણન છે. સંકુલની પ્રકૃતિ કોર્ટના અંતિમ ચુકાદા દ્વારા નક્કી કરવામાં આવશે.’

archaeological survey of india madhya pradesh india national news news