✕

ચૂંટણીપ્રક્રિયા પર થઈ રહેલા પ્રહારો વચ્ચે ૪૨ ભૂતપૂર્વ જજોએ જ્ઞાનેશ કુમારના બચાવમાં ઓપન લેટર લખ્યો

09 October, 2026 12:08 PM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

તેમણે રાજકીય પક્ષોને ચૂંટણીનાં પરિણામોનો સ્વીકાર કરવા અને કોઈ ફરિયાદ હોય તો કોર્ટ કે પંચમાં યોગ્ય પુરાવા રજૂ કરવાની માગણી કરી હતી

જ્ઞાનેશ કુમાર

દેશની બંધારણીય સંસ્થાઓ, ખાસ કરીને ઇલેક્શન કમિશન ઑફ ઇન્ડિયા (ECI) અને ન્યાયતંત્ર પર થઈ રહેલા સતત પ્રહારો વિશે ૪૨ ભૂતપૂર્વ જજો અને નિવૃત્ત અધિકારીઓએ એક ઓપન લેટર લખીને ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. ચીફ ઇલેક્શન કમિશનર જ્ઞાનેશ કુમાર સામે ચાલી રહેલા વિરોધ વચ્ચે આ લેટરમાં જણાવાયું છે કે ‘હવે મૌન રહેવું એ યોગ્ય વિકલ્પ નથી. ભારતની બંધારણીય સંસ્થાઓ પર હુમલા થઈ રહ્યા છે અને ચૂંટણીપંચ આ હુમલાના કેન્દ્રમાં છે.’

ભૂતપૂર્વ જજોએ સ્પષ્ટ કર્યું હતું કે સંસ્થાઓની ટીકા કરવી એ લોકશાહી અધિકાર છે, પરંતુ પુરાવા વિના મતચોરીના આક્ષેપો કરવા અને અધિકારીઓને ચોર કે કઠપૂતળી કહેવા એ યોગ્ય નથી. તેમણે મતદારયાદી સુધારવા માટેની સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયાનો બચાવ કરતાં કહ્યું હતું કે ‘મૃત્યુ પામેલા લોકો અને સ્થળાંતર કરનારા લોકોનાં નામ કાઢવાં અને નવા મતદારો ઉમેરવા એ પંચની બંધારણીય ફરજ છે. લોકશાહીમાં ચૂંટણી પ્રક્રિયા પ્રત્યેનો લોકોનો વિશ્વાસ જાળવી રાખવો જરૂરી છે.’
તેમણે રાજકીય પક્ષોને ચૂંટણીનાં પરિણામોનો સ્વીકાર કરવા અને કોઈ ફરિયાદ હોય તો કોર્ટ કે પંચમાં યોગ્ય પુરાવા રજૂ કરવાની માગણી કરી હતી. સાથે જ મીડિયા અને નાગરિકોને અપીલ કરતાં જણાવ્યું હતું કે ‘તમારો મત એ તમારો અવાજ છે. કોઈ પણ પ્રકારની અફવાઓથી દોરવાઈને એમ ન માનો કે તમારા મતની કોઈ કિંમત નથી.’

national news india election commission of india