રાહુલ ગાંધીની નાગરિકતા પર હાઈ કોર્ટનું આકરું વલણ, સરકારને ૧૦ દિવસમાં રિપોર્ટ રજૂ કરવા કહ્યું

22 April, 2025 11:42 AM IST  |  Prayagraj | Gujarati Mid-day Correspondent

રાહુલ ગાંધી એક બ્રિટિશ નાગરિક છે અને એના કારણે તેઓ ચૂંટણી લડવા માટે અયોગ્ય છે

રાહુલ ગાંધી

રાહુલ ગાંધીની ધરપકડ વિશે દાખલ અરજી પર અલાહાબાદ હાઈ કોર્ટની લખનઉ બેન્ચે કડક વલણ અપનાવ્યું છે. હાઈ કોર્ટે કેન્દ્ર સરકારને આદેશ આપ્યો છે કે તેઓ ૧૦ દિવસમાં આ વિશે અરજી દાખલ કરીને જવાબ રજૂ કરે અને દાખલ થયેલા પ્રત્યાવેદન વિશે સ્પષ્ટતાપૂર્ણ રિપોર્ટ રજૂ કરે. આગામી સુનાવણી પાંચમી મેએ થશે.

ગઈ સુનાવણી દરમ્યાન ડેપ્યુટી સૉલિસિટર જનરલ એસ. બી. પાંડેએ કોર્ટને જણાવ્યું હતું કે ‘ફરિયાદ પર કાર્યવાહી કરતાં સંબંધિત મંત્રાલયે રાહુલ ગાંધીની કથિત બ્રિટિશ નાગરિકતા વિશે અહેવાલ માગતા બ્રિટન સરકારને પત્ર લખ્યો છે અને એ માટે સરકારને ફરિયાદ પર નિર્ણય લેવા માટે વધારે સમયની જરૂર છે.’

અરજી કરનાર દ્વારા કોર્ટમાં દલીલ કરવામાં આવી છે કે તેમની પાસે દસ્તાવેજ અને બ્રિટન સરકારની કેટલીક ઈ-મેઇલ છે જેનાથી સાબિત થાય છે કે રાહુલ ગાંધી એક બ્રિટિશ નાગરિક છે અને એના કારણે તેઓ ચૂંટણી લડવા માટે અયોગ્ય છે, તેઓ લોકસભા ઉમેદવારીનું પદ ધારણ કરી શકે નહીં. 

અમેરિકામાં રાહુલ ગાંધીએ કહ્યું, ‘મહારાષ્ટ્રમાં બે કલાકમાં ૬૫ લાખ લોકોએ કેવી રીતે મત આપ્યા?’ : BJPએ કર્યા પ્રહાર

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અમેરિકાના પ્રવાસે ગયા છે. ત્યાં તેમણે બૉસ્ટનની બ્રાઉન યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. ત્યાં તેમણે ભારતની ચૂંટણીપ્રક્રિયાને ગંભીર સમસ્યા ગણાવીને મહારાષ્ટ્રની ચૂંટણીનો મુદ્દો ઉઠાવ્યો હતો. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ‘સરળ શબ્દોમાં કહું તો મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં વધુ યુવાનોએ મતદાન કર્યું. ચૂંટણીપંચે અમને સાંજના ૫.૩૦ વાગ્યા સુધીના આંકડા આપ્યા. મતદાન બંધ થઈ ગયા બાદ સાંજે ૫.૩૦થી ૭.૩૦ની વચ્ચે ૬૫ લાખ લોકોએ મત આપ્યા. હવે આવું થવું શારીરિક રીતે તો અસંભવ છે, કારણ કે એક મતદાતાને મત આપવામાં આશરે ૩ મિનિટ લાગે છે. તમે ગણતરી કરી શકો છો. આંકડાઓનો એ અર્થ થાય છે કે રાતના બે વાગ્યા સુધી કતારો લાગી રહી અને લોકોએ આખી રાત મતદાન કર્યું. જોકે આવું નથી થયું.’

રાહુલ ગાંધીના નિવેદન પર કેન્દ્રીય પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું હતું કે ‘લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ફરી એક વાર વિદેશની ધરતીથી ચૂંટણીપંચની વિશ્વસનીયતા પર સવાલ ઉઠાવ્યો છે. આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે કે જ્યારે પણ રાહુલ ગાંધી વિદેશમાં હોય છે ત્યારે તેઓ ભારત અને ભારતની લોકતાંત્રિક વ્યવસ્થાઓ પ્રત્યે પોતાના નફરતભર્યા વિચારો રજૂ કરવાથી ચૂકતા નથી.’

rahul gandhi prayagraj news political news Lok Sabha national news