20 May, 2025 07:13 AM IST | Prayagraj | Gujarati Mid-day Online Correspondent
સંભલની શાહી જામા મસ્જિદનો એરિયલ વ્યુ
અલાહાબાદ હાઈ કોર્ટે સોમવારે સંભલ મસ્જિદ સમિતિની મસ્જિદના સર્વેક્ષણ કરવાના ટ્રાયલ કોર્ટના આદેશને પડકારતી અરજી ફગાવી દીધી હતી. ન્યાયાધીશ રોહિત રંજન અગ્રવાલની બેન્ચે મસ્જિદ સમિતિની અરજી પર સુનાવણી કરી હતી. ન્યાયાધીશ અગ્રવાલે અગાઉ બન્ને પક્ષોના વકીલોને સાંભળ્યા બાદ આ મામલે પોતાનો આદેશ અનામત રાખ્યો હતો. ગયા વર્ષે નવેમ્બરમાં, સંભલની ટ્રાયલ કોર્ટે એડવોકેટ કમિશનરને મુઘલ યુગની મસ્જિદ, શાહી જામા મસ્જિદનું સર્વેક્ષણ કરવાનો નિર્દેશ આપ્યો હતો. મસ્જિદ સમિતિએ આ નિર્ણય સામે હાઈ કોર્ટમાં અરજી કરી હતી.
અહેવાલ મુજબ, અલાહાબાદ હાઈ કોર્ટની બેન્ચે કહ્યું હતું કે હિન્દુ વાદીઓ પ્રથમ દૃષ્ટિએ પ્રતિબંધિત નથી. ઉલ્લેખનીય છે કે, મહંત ઋષિરાજ ગિરી અને હરિ શંકર જૈન સહિત આઠ વાદીઓ દ્વારા દાવો દાખલ કરવામાં આવ્યો હતો. તેમણે દાવો કર્યો હતો કે સંભલ મસ્જિદ 1526 માં હરિહર મંદિર તોડી પાડ્યા પછી બનાવવામાં આવી હતી. હિન્દુ પક્ષનું પ્રતિનિધિત્વ કરતા એડવોકેટ વિષ્ણુ શંકર જૈને જણાવ્યું હતું કે, "અલાહાબાદ હાઈ કોર્ટનો આદેશ એ લોકો માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે જેમણે પ્રશ્ન ઉઠાવ્યો હતો કે કોર્ટે 19 નવેમ્બર અને 24 નવેમ્બરના રોજ સર્વે કમિશનરને પક્ષકાર તરીકે કેવી રીતે નિયુક્ત કર્યા અને સર્વે સમિતિને સાંભળ્યા વિના સર્વેનો આદેશ આપ્યો. આ કાયદાનો ભંગ છે, અને કોર્ટ અને સંબંધિત પક્ષો પર પ્રશ્નો ઉભા થયા છે."
દાવાના મૂળ વાદીઓએ સંભલ જિલ્લાના મોહલ્લા કોટ પૂર્વી ખાતેના ધાર્મિક સ્થળમાં પ્રવેશના અધિકારનો દાવો કર્યો હતો. દરમિયાન, મસ્જિદ સમિતિએ આરોપ લગાવ્યો હતો કે 19 નવેમ્બર, 2024 ના રોજ બપોરે દાવો દાખલ કરવામાં આવ્યો હતો, અને થોડા કલાકોમાં જજે એક એડવોકેટ કમિશનરની નિમણૂક કરી અને તેમને મસ્જિદમાં પ્રારંભિક સર્વે કરવાનો નિર્દેશ આપ્યો. ટ્રાયલ કોર્ટના સર્વેક્ષણના આદેશ પછી, સંભલમાં હિંસા ફાટી નીકળી હતી. લોકોનો મોટો સમૂહ મસ્જિદ પાસે એકઠા થયા હતા. ત્યારબાદ વિરોધીઓ સુરક્ષા કર્મચારીઓ સાથે અથડાયા, વાહનોને આગ ચાંપી અને પથ્થરમારો કર્યો. હિંસામાં પાંચ લોકોએ જીવ ગુમાવ્યા હોવાના અહેવાલ છે, ઘણા પોલીસ કર્મચારીઓ પણ ઘાયલ થયા હતા.
હોળીને લઈને કડક વ્યવસ્થા
હોળી અને શુક્રવારની નમાજ એક જ દિવસે હોવાથી ઉત્તર પ્રદેશના વિવાદગ્રસ્ત સંભલમાં કડક સુરક્ષાવ્યવસ્થા વચ્ચે રંગોનો પારંપરિક તહેવાર શાંતિપૂર્ણ રીતે મનાવવામાં આવ્યો હતો. સર્કલ-ઑફિસર અનુજ ચૌધરીએ અગાઉ મુસ્લિમોને સલાહ આપી હતી કે જો તેમને લાગે કે હોળીનો રંગ તેમના પર પડવાથી તેમનો ધર્મ દૂષિત થાય છે તો તેઓ હોળીમાં ઘરની બહાર ન નીકળે. જોકે ગઈ કાલે તેમણે જણાવ્યું હતું કે ‘બધા લોકોએ પ્રેમથી હોળીની ઉજવણી કરી હતી. પારંપરિક ચૌપાઈ કા જુલૂસ મોટું હતું જેમાં આશરે ૩૦૦૦ લોકોએ ભાગ લીધો હતો. બધું શાંતિપૂર્વક પાર પડ્યું હતું.’