22 February, 2024 10:03 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
અખિલેશ યાદવ
લખનઉ : ઉત્તર પ્રદેશમાં આગામી સામાન્ય ચૂંટણી માટે ઇન્ડિયા બ્લૉક સાથે પોતાના પક્ષની યુતિને સમાજવાદી પક્ષના વડા અખિલેશ યાદવે બુધવારે સમર્થન આપ્યું હતું. યુતિ સાથે કોઈ સમસ્યા નથી, એમ તેમણે જણાવ્યું હતું.કૉન્ગ્રેસ સાથે અમે સહભાગી બનીશું અને યુતિમાં કોઈ સમસ્યા નથી, એમ પત્રકારોને સંબોધતાં તેમણે જણાવી વધુમાં જણાવ્યું હતું કે ‘અંત ભલા તો સબ ભલા’.
એક સમયે તો એવા સંજોગો નિર્માણ થયા હતા કે બન્ને પક્ષ વચ્ચે યુતિ નહીં જ થાય. કૉન્ગ્રેસ અને સમાજવાદી પાર્ટીના નેતાઓ તરફથી અમુક એવા સ્ટેટમેન્ટ્સ પણ આવ્યા હતા. જોકે ગઈ કાલે બન્ને પક્ષને ભેગા કરવાનું કામ પ્રિયંકા ગાંધી વાડ્રાએ કર્યું હતું. તેમણે અખિલેશ યાદવને ફોન કરીને મુરાદાબાદની બેઠક સમાજવાદી પાર્ટી માટે છોડી દેવાની તૈયારી બતાવી હતી અને સીતાપુર, શ્રાવસ્તી અને વારાણસીની બેઠક કૉન્ગ્રેસ માટે રાખી હતી. આ ગોઠવણ પર બન્ને પાર્ટી સહમત થઈ હતી અને આ રીતે યુતિ તૂટતા-તૂટતા બચી ગઈ હતી.
સમાજવાદી પક્ષના વડાએ વિશ્વાસપૂર્વક જણાવ્યું હતું કે બીજેપીનો પરાજય થશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે લોકસભાની આગામી ચૂંટણીમાં સમાજવાદી પક્ષ મહત્તમ બેઠકો પર ચૂંટણી લડશે. ઉત્તર પ્રદેશમાં લોકસભાની ચૂંટણી માટે પાંચ ઉમેદવારની ત્રીજી યાદી બહાર પાડ્યા બાદ અખિલેશ યાદવનું આ નિવેદન આવી પડ્યું છે. પક્ષે સિનિયર નેતા શિવપાલ યાદવને બદાયૂં સંસદીય મતદાર ક્ષેત્રમાંથી ઊભા રાખ્યા છે. પક્ષ પ્રમુખના કાકા શિવપાલ યાદવ ઇટાવા જિલ્લામાં જસવંતનર મતદાર ક્ષેત્ર ખાતેથી વિધાનસભ્ય છે. બીજ બાજુએ પક્ષના ભૂતપૂર્વ રાષ્ટ્રીય સેક્રેટરી સ્વામી પ્રસાદ મૌર્યે પક્ષ સાથે છેડો ફાડ્યો હતો અને વિધાન પરિષદના સભ્ય તરીકે રાજીનામું આપ્યું હતું.