અજમેરના સ્કૉર્પિયો-કેસમાં ગજબનો ટ્વિસ્ટ

30 May, 2026 09:50 AM IST  |  Ajmer | Gujarati Mid-day Correspondent

પહેલી પત્નીએ બદલો લેવા માટે પતિ, સૌતન, સાસુ અને ભત્રીજીની હત્યા કરીને કારમાં મૃતદેહો મૂકીને બાળી નાખી

ગુરુવારે સવારે અજમેર જિલ્લામાં બળી ગયેલી સ્કૉર્પિયો કાર મળી આવતાં સનસનાટી મચી ગઈ હતી

અજમેરમાં સ્કૉર્પિયોમાંથી મળી આવેલા ૪ મૃતદેહ વિશે પોલીસે મોટો ખુલાસો કર્યો છે. ભૂતપૂર્વ સરપંચ રામસિંહ ચૌધરીની પહેલી પત્ની સુનીતાએ બદલો લેવા માટે તેના પતિ, સૌતન, સાસુ અને ભત્રીજીની હત્યા કરી હતી. આ કેસમાં પોલીસે સુનીતા, તેની પુત્રી સરિતા અને ૧૭ વર્ષના પુત્રની કથિત હત્યાના સંબંધમાં અટકાયત કરી છે. રામસિંહ તેની બન્ને પત્નીઓ સાથે એક જ ઘરમાં રહેતો હતો.

શું હતી ઘટના?

ગુરુવારે સવારે અજમેર જિલ્લામાં બળી ગયેલી સ્કૉર્પિયો કાર મળી આવતાં સનસનાટી મચી ગઈ હતી. કારની અંદર ૩ લોકો મળી આવ્યા હતા, જ્યારે ચોથી વ્યક્તિ થોડે દૂર ખેતરમાં પડેલી હતી. શરૂઆતમાં પોલીસને આ અકસ્માત કે કારમાં આગ લાગી હોવાની શંકા હતી, પરંતુ પોલીસતપાસમાં બહાર આવ્યું કે ચારેયની હત્યા કરવામાં આવી હતી અને પછી પુરાવાનો નાશ કરવા માટે કારને આગ લગાવી દેવામાં આવી હતી. જીવ ગુમાવનારાઓમાં ૪૫ વર્ષના ભૂતપૂર્વ સરપંચ રામસિંહ ચૌધરી, તેમની માતા પૂસાદેવી, તેમની બીજી પત્ની સૂર્યજ્ઞાનદેવી અને ભત્રીજી મહિમા ચૌધરીનો સમાવેશ છે.

પરિવારમાં આંતરિક વિવાદ

આ મુદ્દે અજમેરના પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ હર્ષવર્ધન અગ્રવાલે કહ્યંુ હતું કે ‘ઘરમાંથી મળેલા પુરાવાના આધારે હત્યાના ઍન્ગલથી તપાસ શરૂ કરવામાં આવી હતી. એવી શંકા છે કે ચારેયની ઘરની અંદર હત્યા કરવામાં આવી હતી અને બાદમાં મૃતદેહોને સ્કૉર્પિયોમાં મૂકીને એકાંત સ્થળે લઈ જવામાં આવ્યા હતા. વાહનને આગ લગાવીને પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તપાસમાં આંતરિક કૌટુંબિક વિવાદો પણ બહાર આવ્યા છે. રામસિંહ ચૌધરીને બે પત્ની હોવાનું કહેવાય છે. તેની પહેલી પત્ની સાથે બે કિશોર વયનાં બાળકો છે. ગામલોકો અને પાડોશીઓએ પોલીસને જણાવ્યું હતું કે રામસિંહને શરાબનું વ્યસન હતું અને ઘણી વાર તેની પહેલી પત્ની પર હુમલો કરતો હતો. બુધવારે રાત્રે પણ ઘરમાંથી જોરથી ચીસો અને બૂમો સંભળાતી હતી. પોલીસને શંકા છે કે એ રાત્રે કોઈ મોટો કૌટુંબિક વિવાદ થયો હતો. રામસિંહની પહેલી પત્નીએ કહ્યું હતું કે રામસિંહ તેની માતાને હૉસ્પિટલમાં લઈ ગયો હતો કારણ કે તે બીમાર હતી અને છાતીમાં દુખાવો અનુભવી રહી હતી. જોકે કાર હૉસ્પિટલના રસ્તાની વિરુદ્ધ દિશામાં જતી હતી.

ઘરમાંથી પુરાવા મળ્યા

પોલીસને ઘરમાંથી અનેક પુરાવા પણ મળ્યા હતા. એક રૂમ ધોવામાં આવી હતી, પરંતુ ફ્લોર પર લોહીના ડાઘ હતા. લોહીથી ખરડાયેલી બે ઈંટો પણ મળી આવી હતી. ગ્રામજનોના જણાવ્યા અનુસાર પરિવારમાં લાંબા સમયથી ઝઘડો ચાલી રહ્યો હતો. બુધવારે રાત્રે પણ ઘરમાંથી ચીસો અને લડાઈના અવાજો સંભળાતા હતા. 

ajmer rajasthan road accident Crime News national news news