એર ઇન્ડિયા એક્સપ્રેસનું મોટું પગલું! મુસાફરોની સુરક્ષા માટે ૮ ક્રૂ મેમ્બર્સને સસ્પેન્ડ કર્યા

18 September, 2026 09:45 AM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

Air India Express crew suspended: ફ્લાઇટના આગમન બાદ ફરજિયાત પોસ્ટ-ફ્લાઇટ બ્રેથલાઇઝર ટેસ્ટ માટે નિર્ધારિત બે કલાકની સમયમર્યાદા ચૂકી જવા બદલ એર ઇન્ડિયા એક્સપ્રેસે ચાર પાઇલટ અને ચાર કેબિન ક્રૂ સભ્યો સહિત કુલ આઠ ક્રૂ મેમ્બર્સ ત્રણ મહિના માટે સસ્પેન્ડ

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

દુબઈ (Dubai)થી અમૃતસર (Amritsar) આવેલી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટના ઉતરાણ બાદ ફરજિયાત આલ્કોહોલ સ્ક્રીનિંગના નિયમોનું પાલન ન કરવા બદલ એર ઇન્ડિયા એક્સપ્રેસ (Air India Express)એ ૮ ફ્લાઇટ કર્મચારીઓને ત્રણ મહિના માટે ડ્યુટી પરથી હટાવી દીધા છે. આ કાર્યવાહીમાં ચાર પાઇલટ અને ચાર કેબિન ક્રૂ સભ્યોનો સમાવેશ થાય છે, જેમણે નાગરિક ઉડ્ડયન સુરક્ષા નિયમો દ્વારા નિર્ધારિત સમયમર્યાદા પૂરી થયા બાદ આ ટેસ્ટ કરાવ્યો હતો.

આંતરરાષ્ટ્રીય ફ્લાઇટના આગમન બાદ નિર્ધારિત સમયમર્યાદામાં ફરજિયાત પોસ્ટ-ફ્લાઇટ બ્રેથલાઇઝર (આલ્કોહોલ) ટેસ્ટ (Breathalyser Test) ન કરાવવા બદલ એર ઇન્ડિયા એક્સપ્રેસે ચાર પાઇલટ અને ચાર કેબિન ક્રૂ સભ્યો સહિત ૮ ક્રૂ મેમ્બર્સને ત્રણ મહિના માટે સસ્પેન્ડ (Air India Express crew suspended) કર્યા છે. દુબઈથી અમૃતસર આવેલી ફ્લાઇટના ઉતરાણ બાદ ક્રૂ સભ્યોએ પોસ્ટ-ફ્લાઇટ પ્રોટોકોલ પૂરો કરવામાં ૩૫ મિનિટનો વિલંબ કર્યો હોવાનું સામે આવ્યા પછી આ કડક કાર્યવાહી કરવામાં આવી છે.

બે કલાકની સુરક્ષા સમયમર્યાદા ચૂકી ગયા ક્રૂ મેમ્બર્સ

આ ઘટના ૨ ઓગસ્ટના રોજ બની હતી, જ્યારે દુબઈથી એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટ IX 192 સવારે ૯:૫૦ વાગ્યે અમૃતસરના શ્રી ગુરુ રામદાસ જી આંતરરાષ્ટ્રીય વિમાનમથક (Sri Guru Ram Das Jee International Airport)એ લેન્ડ થઈ હતી. આ વિમાનમાં બે કમાન્ડર પાઇલટ, બે કો-પાઇલટ અને ચાર કેબિન ક્રૂ સભ્યો કાર્યરત હતા.

ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (Directorate General of Civil Aviation - DGCA) ની સુરક્ષા માર્ગદર્શિકા મુજબ, ભારતીય એરલાઇન્સ માટે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ ઓપરેટ કરતા ક્રૂ સભ્યોએ ભારતમાં લેન્ડિંગ કર્યાના બે કલાકની અંદર પોસ્ટ-ફ્લાઇટ આલ્કોહોલ ટેસ્ટ કરાવવો ફરજિયાત છે. જોકે, આ ટીમે વિલંબથી ટેસ્ટ આપ્યો હતો અને લેન્ડિંગના બે કલાક અને ૩૫ મિનિટ પછી આ પ્રક્રિયા પૂર્ણ થઈ હતી.

સ્વાસ્થ્યના કારણે વિલંબ થયો; ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવ્યો

આ બાબતથી માહિતગાર વર્તુળોના જણાવ્યા અનુસાર, તમામ ૮ ક્રૂ મેમ્બર્સનો બ્રેથલાઇઝર ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો, એટલે કે કોઈએ આલ્કોહોલનું સેવન કર્યું નહોતું. આગમનની તમામ ઔપચારિકતાઓ પૂરી કર્યા પછી એક ક્રૂ મેમ્બરની તબિયત લથડતાં આખી ટીમ તાત્કાલિક હોટેલ પહોંચી ગઈ હતી. ત્યારબાદ તેઓ ટેસ્ટ આપવા માટે ફરી એરપોર્ટ ટર્મિનલ પર આવ્યા હતા, જેના કારણે આ વિલંબ થયો હતો.

વધૂમાં જાણવા મળ્યું છે કે એરપોર્ટ પર ઇમિગ્રેશન, કસ્ટમ્સ ક્લિયરન્સ, લોગબુક એન્ટ્રી અને તબીબી પરિસ્થિતિને સંભાળવામાં થયેલી દોડધામના કારણે આ ટેસ્ટ પ્રક્રિયામાં ચૂક થઈ ગઈ હતી.

એરલાઇને નિયમનકારને જાણ કરી કાર્યવાહી હાથ ધરી

એર ઇન્ડિયા એક્સપ્રેસે આ નિયમ ભંગ અંગે સામેથી એવિએશન રેગ્યુલેટર DGCA ને રિપોર્ટ કર્યો હતો અને સુરક્ષા પ્રોટોકોલનું પાલન કરીને સંબંધિત સ્ટાફને તાત્કાલિક અસરથી ફ્લાઇટ ડ્યુટી પરથી હટાવી દીધો હતો. નિયમો અનુસાર, આ બજેટ એરલાઇને તમામ ૮ સભ્યોને ત્રણ મહિના માટે સસ્પેન્ડ કર્યા છે.

આ ઘટના બાદ એવિએશન ક્ષેત્રમાં પોસ્ટ-ફ્લાઇટ ટેસ્ટિંગના નિયમો અંગે ફરી ચર્ચા શરૂ થઈ છે. પાઇલટ એસોસિએશનના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે, પ્રી-ફ્લાઇટ અને પોસ્ટ-ફ્લાઇટ બંને ટેસ્ટિંગ નિયમોનું ચુસ્ત પાલન આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સમાં સંપૂર્ણ સુરક્ષા સુનિશ્ચિત કરે છે. એર ઇન્ડિયા એક્સપ્રેસે પણ પોતાના તમામ ઓપરેશન્સમાં નિયમોના કડક પાલન પ્રત્યે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે.

air india airlines news directorate general of civil aviation dgca dubai amritsar national news news