એઆઇ કાંઈ તમારી નોકરી નહીં છીનવે

10 June, 2023 09:17 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

કેન્દ્રીય પ્રધાન ચન્દ્રશેખરે જણાવ્યું કે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ લૉજિક અને સમજીવિચારીને નિર્ણય લેવાની જરૂર પડે એવી સિચુએશનને ડીલ કરવા સક્ષમ નથી, તેમણે એમ પણ જણાવ્યું કે સરકાર આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સને રેગ્યુલેટ કરશે

નવી દિલ્હીમાં ગઈ કાલે પ્રેસ-કૉન્ફરન્સને સંબોધતા કેન્દ્રીય પ્રધાન અને બીજેપીના નેતા રાજીવ ચન્દ્રશેખર.

સમગ્ર દુનિયામાં આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (એઆઇ)ને કારણે મોટા પાયે જૉબ્સ ગુમાવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે ત્યારે કેન્દ્રીય પ્રધાન રાજીવ ચન્દ્રશેખરે ગઈ કાલે જણાવ્યું હતું કે આગામી થોડાં વર્ષોમાં જૉબ્સને રિપ્લેસ કરવાનું કહેવાતું જોખમ હોવાનું અમે જોતા નથી. ટેક્નૉલૉજી તરીકે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ એના અત્યારના સ્વરૂપમાં મોટા ભાગે આપવામાં આવેલું ટાસ્ક કમ્પ્લીટ કરે છે અને એવી સિચુએશન સાથે ડીલ કરવા સક્ષમ નથી, જેમાં લૉજિક અને સમજીવિચારીને નિર્ણય લેવાની જરૂર પડે. એને લીધે જ એઆઇને કારણે જૉબ લૉસનો કોઈ ખતરો હોવાનું જણાતું નથી. 
 
આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (એઆઇ)થી ‘​ડિજિટલ સિટિઝન્સ’ને નુકસાન ન થાય એની ખાતરી કરવા માટે કેન્દ્ર સરકાર એને રેગ્યુલેટ કરશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં છેલ્લાં નવ વર્ષમાં ડિજિટાઇઝેશનની દૃષ્ટિએ ભારતે કેટલી પ્રગતિ કરી છે એ વિશેનું પ્રેઝન્ટેશન આપતી વખતે કેન્દ્રીય પ્રધાન રાજીવ ચન્દ્રશેખરે ગઈ કાલે આ વાત જણાવી હતી. 
 
તેમણે કહ્યું હતું કે ‘ઇન્ટરનેટ પર ઝેરી કન્ટેન્ટ અને સાઇબર અપરાધો નોંધપાત્ર પ્રમાણમાં વધ્યાં છે. અમે ડિજિટલ સિટિઝન્સને નુકસાન પહોંચાડવાના પ્રયાસોને સફળ થવા દઈશું નહીં. ૮૫ કરોડ ભારતીયો ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે. ૨૦૨૫ સુધીમાં આ સંખ્યા વધીને ૧૨૦ કરોડ સુધી પહોંચી શકે છે.’ તેમણે વધુ જણાવ્યું હતું કે ‘ડોક્સિંગ (બદઇરાદાથી અને સંમતિ મેળવ્યા વિના કોઈની પ્રાઇવેટ અને ઓળખ થઈ શકે એવી વિગતો ઇન્ટરનેટ પર પોસ્ટ કરવી)માં વધારો થઈ રહ્યો છે.’

હવે તમારી ‘વર્ચ્યુઅલ’ સેફ્ટી માટે ડિજિટલ ઇન્ડિયા બિલ લવાશે

રાજીવ ચન્દ્રશેખરે દેશમાં નવા સાઇબર ક્રાઇમ્સનો સામનો કરવા અને ઇન્ટરનેટને કડકાઈથી રેગ્યુલેટ કરવાના હેતુસર નવા કાયદાના પ્લાનની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે નવું ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલને ટૂંક સમયમાં સંસદમાં રજૂ કરાશે. આ બિલમાં બાળકોના શારીરિક શોષણના મટીરિયલ, ધાર્મિક ઉશ્કેરણીનું મટીરિયલ, પૉર્ન, બાળકો માટે નુકસાનકારક કન્ટેન્ટ, ખોટી ઓળખ રજૂ કરવી, ભારતની એકતા અને સાર્વભૌમત્વ વિરુદ્ધ કન્ટેન્ટ, કમ્પ્યુટર માલવેર, પ્રતિબંધિત ઑનલાઇન ગેમ્સને અંકુશમાં રાખવા માટેની જોગવાઈઓ રહેશે. 

new delhi national news