૨૭ વર્ષની લડત બાદ આખરે નારીશક્તિને સંસદના વંદન, મહિલા અનામત બિલ પસાર

22 September, 2023 09:15 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

હાઉસમાં હાજર તમામ ૨૧૫ સંસદસભ્યોએ આ બિલને સપોર્ટ આપ્યો

નવી દિલ્હીમાં ગઈ કાલે સંસદના સ્પેશ્યલ સેશન દરમ્યાન ઍક્ટર્સ તમન્ના ભાટિયા, દિવ્યા દત્તા, ખુશ્બૂ સુંદર, કીર્તિ કુલ્હરી, હરનાઝ કૌર સંધુ અને અન્ય હસ્તીઓ (તસવીર : પી.ટી.આઇ.)

લોકસભા બાદ હવે રાજ્યસભાએ સર્વસંમતિથી મહિલાઓ માટે લોકસભા અને રાજ્યોની વિધાનસભાઓમાં એક તૃતીયાંશ બેઠકો રિઝર્વ રાખવા માટેના ઐતિહાસિક નારી શક્તિ વંદન બિલ એટલે કે મહિલા અનામત બિલ પસાર કર્યું હતું. હાઉસમાં હાજર તમામ ૨૧૫ સંસદસભ્યોએ આ બિલને સપોર્ટ આપ્યો હતો. ૨૭ વર્ષની લડત બાદ આખરે આ ઐતિહાસિક ક્ષણ આવી છે. તમામ પાર્ટીઓના સભ્યોએ આ બિલને સપોર્ટ આપ્યો હતો. જોકે વિરોધ પક્ષોના કેટલાક સભ્યોએ એને ચૂંટણી ગિમિક ગણાવ્યું હતું. રાજ્યસભામાં આ બિલ પરની ડિબેટ દરમ્યાન સભ્યોએ નવી વસ્તીગણતરી અને સીમાંકનની પ્રક્રિયા માટે રાહ જોવાને બદલે આ પ્રક્રિયાને ઝડપી બનાવવા જણાવ્યું હતું.

આ બિલ પરની ચર્ચા દરમ્યાન તૃણમૂલ કૉન્ગ્રેસના એમપી ડેરેક ઓબ્રાયને જણાવ્યું હતું કે સરકારે ‘ગુપ્ત રીતે, સરપ્રાઇઝ અને ચાલાકી’થી કમાન્ડો-સ્ટાઇલથી ઑપરેશનની નહીં, પણ સહકાર અને શૅર કરવાની જરૂર છે.’

કૉન્ગ્રેસના લીડર રાહુલ ગાંધીની ઓબીસી ક્વોટા માટેની માગણી વિશે બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાએ કહ્યું હતું કે ‘હું વારંવાર કહું છું કે લીડરે લીડર બનવું પડશે. ટ્યુટરથી કામ ન ચાલે. ટ્યુટરે કહેલાં સ્ટેટમેન્ટ્સ આપવાથી કામ નહીં ચાલે. ક્યારેક ટ્યુટર લીડર હોય તો પણ સમજાય. તે એનજીઓને લઈને આવી જાય છે, જેમને કોઈ જ જાણકારી હોતી નથી. તે લોકો તમને સમજાવે છે અને તમે બોલી દો છો.’

લોકસભા અને રાજ્યોની વિધાનસભાઓમાં મહિલાઓ માટે રિઝર્વ રાખવા માટેની બેઠકોની ઓળખ કરવા માટે સીમાંકન પ્રક્રિયા કરવામાં આવશે. જ્યારે પણ હવે પછી વસ્તીગણતરી થશે અને એના આંકડા પબ્લિશ થશે, નવી સીમાંકન પ્રક્રિયા કરવામાં આવશે. : નિર્મલા સીતારમણ, નાણાપ્રધાન

બીજેપી સરકારે ૨૦૧૪માં મહિલા અનામત બિલ લાવવાનું વચન આપ્યું હતું. તમને બિલ લાવતાં આટલાં વર્ષો શા માટે લાગ્યાં? શું જૂના સંસદભવનમાં વાસ્તુદોષ હતો એટલે તમે અત્યારે બિલ લાવ્યા? : કે. સી. વેણુગોપાલ, કૉન્ગ્રેસના સંસદસભ્ય

parliament india indian government national news Lok Sabha Rajya Sabha