28 July, 2026 08:19 AM IST | Assam | Gujarati Mid-day Correspondent
આસામમાં પૂરથી મરણાંક ૬૮ થયો: ૫.૨૪ લાખથી વધુ લોકો હજુ પણ પ્રભાવિત
આસામમાં તાજેતરમાં આવેલા વિનાશક પૂર પછી સોશ્યલ મીડિયા પર વાઇરલ થયેલા એક ભાવુક વિડિયોએ સમગ્ર દેશનું ધ્યાન ખેંચ્યું છે. પૂરનાં પાણી ઓસર્યા પછી ઘરવખરી સાથે અભ્યાસની સામગ્રી પલળી જતાં માટીથી ખરડાયેલાં અને ભીનાં થયેલાં પાઠ્યપુસ્તકો તથા નોટબુકોને બાળકો રસ્તાના કોરા ભાગો પર તડકે સૂકવતાં નજરે પડ્યાં હતાં. આ સંવેદનશીલ વિડિયો વાઇરલ થયા બાદ આસામ સરકારે તાત્કાલિક ઍક્શન લઈને પૂરપીડિત તમામ વિદ્યાર્થીઓને મફત નવાં પાઠ્યપુસ્તકો આપવાની જાહેરાત કરી છે.
શિક્ષણપ્રધાન રણોજ પેગુએ સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ X પર માહિતી આપતાં જણાવ્યું હતું કે ‘વિવિધ જિલ્લાઓમાં પૂરના નુકસાનની સમીક્ષા કર્યા બાદ મેં આસામ સ્ટેટ ટેક્સ્ટબુક પ્રોડક્શન ઍન્ડ પબ્લિકેશન કૉર્પોરેશનને અસરગ્રસ્ત વિદ્યાર્થીઓને તાત્કાલિક નવાં પુસ્તકો પૂરાં પાડવાની સૂચના આપી છે. સ્કૂલો ખૂલતાંની સાથે જ પુસ્તકોનું વિતરણ કરવામાં આવશે. મુશ્કેલીના સમયમાં પણ શિક્ષણ અટકવું જોઈએ નહીં.’