28 April, 2025 08:34 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
‘ભારત છોડો’ નોટિસની ડેડલાઇન ખતમ થઈ ગઈ છે. આંકડા અનુસાર અત્યાર સુધી ૨૭૨ પાકિસ્તાની નાગરિકોને પરત મોકલવામાં આવ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે ૧૦૦થી વધારે હજી લોકો જશે. પહલગામ હુમલા બાદ જ ભારત સરકારે સ્પષ્ટ કરી દીધું હતું કે પાકિસ્તાની નાગરિકોએ દેશ છોડવો પડશે. વીઝા પણ તાત્કાલિક પ્રભાવથી રદ કરી દેવામાં આવ્યા હતા.
જોકે ફક્ત એવું નથી કે ભારતના પાકિસ્તાની નાગરિકોને જ પરત મોકલવામાં આવ્યા છે, પરંતુ ભારતના નાગરિકોને પણ પાડોશી દેશમાંથી પરત બોલાવવામાં આવ્યા છે. સરકારના આંકડા અનુસાર અત્યાર સુધી ૧૩ રાજકીય અને અધિકારીઓ સહિત ૬૩૯ ભારતીય પરત ફરી ચૂક્યા છે. હકીકતમાં ભારત સરકારે ૧૨ કૅટેગરીના વીઝા કૅન્સલ કરી દીધા હતા, ફક્ત અમુક લોકોને જ રાહત આપવામાં આવી હતી. પચીસમી એપ્રિલે અટારી-વાઘાથી ૧૯૧ પાકિસ્તાનીઓને ભારતથી મોકલી દેવામાં આવ્યા છે. વળી ૨૬ એપ્રિલે ૮૧ પાકિસ્તાનીઓને પરત મોકલી દીધા છે. ઘણા નાગરિકોએ ઍરપોર્ટ દ્વારા દેશ છોડ્યો છે.
ભારતમાં સૌથી વધુ પાકિસ્તાની મહારાષ્ટ્રમાં રહેતા હતા. આંકડા અનુસાર ૫૦૫૦ પાકિસ્તાની મહારાષ્ટ્રમાં વસેલા હતા એમાં પણ નાગપુરમાં ૨૪૫૦, થાણેમાં ૧૧૦૦, જલગાંવમાં ૩૯૦, નવી મુંબઈમાં ૨૯૦ હતા. તેલંગણમાં પણ ૨૦૮ પાકિસ્તાની નાગરિકો રહેતા હતા. પહલગામ હુમલા બાદ ગૃહપ્રધાને દરેક રાજ્યના મુખ્ય પ્રધાનને ફોન કરી દરેક પાકિસ્તાનીને વીણી-વીણીને બહાર મોકલવાનો નિર્દેશ કર્યો હતો.